નવી દિલ્હીઃ પર્યાવરણના સંરક્ષણ અને ગ્રીન બેલ્ટને વધારવાના ભાગરૂપે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના પોરબંદરથી દિલ્હી-હરિયાણાની સરહદ સુધી ૧,૪૦૦ કિલોમીટર લાંબી અને પાંચ કિલોમીટર પહોળી ગ્રીન વોલ તૈયાર કરવાની યોજનાના અહેવાલ છે. આફ્રિકામાં સેનેગલથી જીબૂતી સુધી આવી ગ્રેટ ગ્રીન વોલ ઓફ સહારા તૈયાર કરાઈ છે અને એના આધારે જ આ પ્લાનિંગ કરાયું છે. આફ્રિકામાં રણને રોકવા માટે ૭,૫૦૦ કિલોમીટર લાંબી અને ૧૫ કિલોમીટર પહોળી ગ્રેટ ગ્રીન વોલ ઓફ સહારા તૈયાર કરાઈ છે.
ધૂળને રોકશે
પશ્ચિમ ભારત અને પાકિસ્તાનના રણમાંથી માટી ઊડે છે અને એ દિલ્હી સુધી પહોંચે છે. એને રોકવામાં આ દીવાલ મદદરૂપ થશે. ભારતમાં ઘટી રહેવા જંગલો અને આગળ વધી રહેલા રણને રોકવા માટે આ આઇડિયા હાલમાં સંયુક્ત રાષ્ટ્રસંઘની કોન્ફરન્સમાંથી આવ્યો છે.
૨૦૩૦ સુધીમાં બનશે
ભારત સરકાર આ આઇડિયાને ૨૦૩૦ સુધીમાં મૂર્તિમંત રૂપ આપવા માગે છે. એના હેઠળ ૨૬ મિલિયન હેક્ટર જમીનને પ્રદૂષણ મુક્ત કરવાનું લક્ષ્ય છે. આ ગ્રીન બેલ્ટ ચીનની દીવાલની જેમ લગાતાર નહીં હોય પણ એમાં અરવલ્લીના પહાડોનો મોટો હિસ્સો આવરી લેવાશે. એનો ઉદ્દેશ સાફ થઈ ગયેલા જંગલને ફરી નવપલ્લવિત કરવાનો છે. એક વાર મંજૂરી મળ્યા બાદ અરવલ્લીના પહાડોથી કામકાજ શરૂ થશે. એમાં ખેડૂતોની જમીન પણ અધિગ્રહણ કરાશે.