અમદાવાદ: રાહુલ ગાંધીના પ્રવાસ બાદ ગુજરાત કોંગ્રેસના કાર્યકરોમાં જાણે પ્રાણ પૂરાયા છે. જોકે, રાહુલ ગાંધી ભારત જોડો પદયાત્રામાં વ્યસ્ત બન્યા છે જેના કારણે હવે પ્રિયંકા ગાંધી ગુજરાત કોંગ્રેસના પ્રચાર માટે મોરચો સંભાળશે તેવું જાણવા મળ્યું છે.
કેરળથી રાહુલ ગાંધીની ભારત જોડો પદયાત્રાનો પ્રારંભ થયો છે. લગભગ પાંચેક મહિના સુધી આ પદયાત્રા ચાલશે જેથી રાહુલ ગાંધી ગુજરાતના ચૂંટણી પ્રચારમાં ભાગ લેશે નહીં તે લગભગ નક્કી છે. આ જોતાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધીના સ્થાને પ્રિયંકા ગાંધી જોવા મળે તેવી શક્યતા છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને સ્ક્રિનિંગ – ઈલેક્શન કમિટીની બેઠકમાં પણ આ જ મુદ્દો ચર્ચાયો હતો.
અમુક ધારાસભ્યોએ પ્રિયંકા ગાંધીને અત્યારથી જ ગુજરાતમાં રેલી-જાહેર સભા સહિત ચૂંટણીપ્રચાર માટે લાવવા સૂચન કર્યું છે. ગુજરાતના પ્રભારી રાજસ્થાનના મુખ્ય પ્રધાન ગેહલોતને પણ આ જ મામલે સૂચન કરાયું છે. સૂત્રોના મતે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રિયંકા ગાંધી ગુજરાત કોંગ્રેસના પ્રચારનો મુખ્ય ચહેરો હશે. એટલું જ નહીં જે રીતે પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશમાં ધૂણી ધખાવીને પ્રચાર કર્યો હતો તે જ સ્ટાઈલથી ગુજરાતમાં પ્રચાર કરે તેવું આયોજન છે. ભારત જોડો પદયાત્રાને કારણે રાહુલ ગાંધી પાંચ મહિના સુધી વ્યસ્ત રહેશે. આ જોતાં રાહુલ ગાંધીની ગેરહાજરીને કારણે પ્રિયંકા ગાંધી ગુજરાત કોંગ્રેસના પ્રચારની ધૂરા સંભાળશે.