ભૂપેન્દ્ર પટેલ અને વિજય રૂપાણી સરકારના લેખાજોખાંઃ ચહેરાં બદલાયા, પણ વહીવટ જૂના જોગીઓથી જ ચાલશે?

Friday 24th September 2021 12:15 EDT
 
 

ગાંધીનગર: મોટા ભાગના મંત્રાલયોની ફાળવણી જે જિલ્લામાં હતી ત્યાંથી આવેલા નવા મંત્રીઓને જ થઈ છે. મતલબ કે જે વિભાગ જ્યાં હતો તે વિસ્તારમાં જ રહ્યો છે એમ કહી શકાય. નો-રિપીટ થિયરીને નામે એક રીતે ચહેરા ચોક્કસપણે બદલાયા પણ સરકારી વહીવટની ગાડી તો રૂપાણી સરકારના મંત્રીથી જ ચાલશે એવું ચિત્ર ઉપસ્યું છે.
સરકારમાં ૨૪ મંત્રી ઉમેર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૧૬ સપ્ટેમ્બરે સાંજે કેબિનેટની બેઠક બોલાવી હતી. જેમાં મંત્રીઓને વિભાગોની ફાળવણી કરી હતી. ભાજપની સરકારમાં અત્યાર સુધી થતું આવ્યુ છે એમ સામાન્ય વહીવટ, ગૃહ, માહિતી અને પ્રસારણ, ઉદ્યોગ, પોર્ટ, નર્મદા જેવા સંવેદનશીલ અને ભારેખમ વિભાગો મુખ્યમંત્રીએ પોતાને હસ્તક જ રાખ્યા છે.
જોકે, પહેલી વખત પેટ્રોકેમિકલ્સ, ક્લાઈમેટ ચેન્જ જેવા વિભાગો અનુક્રમે કેબિનેટમાં કનુભાઈ દેસાઈ, કિરીટસિંહ રાણા અને રાજ્યકક્ષામાં મુકેશ પટેલ અને જગદીશ પંચાલ સુધી ફાળવાયા છે! આરોગ્ય વિભાગ અગાઉ નીતિન પટેલ પાસે હતો, જે મહેસાણા હવે જિલ્લાના જ ઋષિકેશ પટેલને સોંપાયો છે. આ જ રીતે આર. સી. ફળદુ પાસે રહેલા કૃષિ, પશુપાલન જેવા વિભાગો જામનગરના રાઘવજી પટેલને મળ્યા છે. તેવી જ રીતે દક્ષિણ ગુજરાતમાં ગણપત વસાવા પાસે રહેલો આદિજાતિ વિકાસ વિભાગ હવે નરેશ પટેલને મળ્યો છે. આવી જ સ્થિતિ જે વિસ્તારમાં મંત્રીની ખુરશીમાં નવા ચહેરા માટે ભાજપે ધારાસભ્યોની અદલાબદલી કરી છે ત્યાં પણ છે. આથી નવા મંત્રીનો વહીવટ અનુભવીઓ થકી રહે તો નવાઈ નહીં.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter