દાહોદઃ ગેસલાઈનના ખોદકામમાં પ્રાચીન મૂર્તિ મળી

Wednesday 18th December 2019 06:05 EST
 
 

દાહોદ: ગેસ પાઇપલાઇન નાંખવાનું કામ દાહોદમાં પૂરજોશમાં ચાલે છે ત્યારે દાહોદના દેસાઈવાડ તરફથી સૈફી હોસ્પિટલના વળાંક પાસે ચાલતા ખોદકામમાં તાજેતરમાં ખાડામાંથી આશરે ૩ બાય ૧.૫ ફૂટની સાઈઝ ધરાવતી લગભગ ૨૦૦ કિગ્રા વજનની પૌરાણિક મૂર્તિ મળી આવી છે. આ મૂર્તિને છોટે સરકાર વાટિકાના મુખ્ય દરવાજા પાસે એક ખૂણામાં રખાઈ છે. સોમવારે દાહોદ કલેકટર વિજય ખરાડીએ અંગત રસ લઈ પુરાતત્ત્વ વિભાગને આ મૂર્તિની જાણ કરી હતી.
માટીના થર હોવાથી લખાણ સ્પષ્ટ દેખાતું નથી
ઇતિહાસ તજજ્ઞ ભરતભાઈ સોનીએ જણાવ્યું કે, મળેલી મૂર્તિના ચાર હાથ ખંડિત છે અને એક હાથમાં ચક્ર પકડેલા દેખાય છે. મૂર્તિ પર કંઈક લખાણ છે, પરંતુ વર્ષોથી દટાયેલી મૂર્તિ પર માટીના થર જામી ગયા હોવાથી લખાણ સ્પષ્ટ વંચાતું નથી. સોલંકી વંશે ગુજરાત અને કાઠિયાવાડમાં ઇસ ૯૫૦થી ૧૨૪૪ દરમિયાન શાસન કર્યું તે સમયની આ મૂર્તિ લાગી રહી છે. તેઓએ જણાવ્યું કે અભ્યાસ મુજબ આ મૂર્તિ વૈષ્ણવી અથવા બ્રાહ્મણી માતાની હોઈ શકે છે.
મહારાજા સિદ્ધરાજ જયસિંહના સમયની હોઈ શકે
દાહોદના ઐતિહાસિક છાબ તળાવનું ક્ષેત્રફળ અત્યારે છે એના કરતાં બમણા વિસ્તારમાં વ્યાપ્ત હતું. બાદમાં કાળક્રમે ક્ષેત્રફળ ઘટતું જવા પામ્યું છે. ઇતિહાસ તજજ્ઞો કહે છે કે ૧૯૪૯માં રચાયેલા છાબ તળાવના કિનારે સિદ્ધરાજ જયસિંહ દ્વારા ૧૦૮ મંદિરોની સ્થાપના કરાઈ હતી. બાદમાં સમયાંતરે આ મંદિરોનો ધ્વસ્ત કરી તેની મૂર્તિઓ તળાવને પુરવામાં વપરાઈ હતી અથવા ખંડિત કરી અન્યત્ર ફેંકી દેવાઈ હોવાનું કહેવાય છે.
તળાવના કિનારેથી જ નીકળેલી આ મૂર્તિ સંભવતઃ સિદ્ધરાજ જયસિંહના સમયની એટલે કે આશરે એક હજાર વર્ષ જૂની હોઈ શકે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter