યુકેના દાતા કિરીટકુમાર પટેલને દાનભાસ્કર એવોર્ડઃ ચારૂસેટને રૂ. 5 કરોડનું દાન

ચારૂસેટ હોસ્પિટલમાં રામભાઈ એન્ડ મણિબેન પટેલ ડિપાર્ટમેન્ટ ઓફ સર્જરીનું લોકાર્પણ

Tuesday 03rd January 2023 08:26 EST
 
 

ચાંગા: ચારૂસેટ કેમ્પસ માટે રૂ. 5 કરોડનું માતબર દાન આપનાર બાકરોલના વતની અને હાલ યુકેસ્થિત વિખ્યાત હોટેલિયર અને ઉદાર દિલના દાતા કિરીટભાઈ રામભાઈ પટેલને શ્રી ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળના ઉપક્રમે 22 ડિસેમ્બરે દાનભાસ્કર એવોર્ડથી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે ચારૂસેટ હોસ્પિટલમાં દાતા પરિવારના હસ્તે રામભાઈ એન્ડ મણિબેન પટેલ ડિપાર્ટમેન્ટ ઓફ સર્જરીનું લોકાર્પણ અને તકતીનું અનાવરણ કરાયું હતું. દાતા પરિવાર દ્વારા ચારૂસેટને રૂ. 5 કરોડનું દાન અર્પણ થયું છે.
ચારૂસેટ કેમ્પસમાં યોજાયેલા આ સમારંભના અધ્યક્ષસ્થાને કેળવણી મંડળ-ચારૂસેટના પ્રમુખ સર્વશ્રી સુરેન્દ્રભાઈ પટેલ, માતૃસંસ્થા અને CHRFના પ્રમુખ નગીનભાઈ પટેલ, માતૃસંસ્થા–કેળવણી મંડળના–CHRFના મંત્રી ડો. એમ.સી. પટેલ, કેળવણી મંડળના ઉપપ્રમુખ અશોકભાઈ પટેલ, કિરણભાઈ પટેલ, વીરેન્દ્રભાઈ પટેલ, પ્રિ. આર. વી. પટેલ, પ્રિ. ધીરુભાઈ પટેલ, રમણભાઈ શનાભાઇ પટેલ, ચારૂસેટ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડો. આર. વી. ઉપાધ્યાય, સી. એસ. પટેલ, માતૃસંસ્થા – કેળવણી મંડળ – ચારુસેટ - CHRFના પદાધિકારીઓ, હોદેદારો, ચારૂસેટની વિવિધ કોલેજોના પ્રિન્સિપાલ, ફેકલ્ટી, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કિરીટભાઈ પટેલ સાથે તેમના ધર્મપત્ની સુલોચનાબેન અને પુત્ર જિજ્ઞેશભાઈ ઉપરાંત યુકેથી આવેલા પરિવારજનો હાજર રહ્યા હતા.
પ્રિન્સિપાલ ધીરુભાઈ પટેલે દાતા પરિવારનો પરિચય આપતાં કહ્યું હતું કે, કિરીટભાઈ અને સુલોચનાબેન પટેલ 1982થી યુકેમાં સ્થાયી થયાં છે. પાળજના આઇ. કે. પટેલના માર્ગદર્શનથી હોટેલ ઉદ્યોગમાં જોડાયાં. યુકે હોટેલ ઉદ્યોગમાં વર્ષોના સંચાલનના અનુભવના કારણે તેઓ હોટેલ પ્રોપર્ટીમાં સામ્રાજ્ય ધરાવે છે. યુકેના શ્રી સત્તાવીસ ગામ પાટીદાર સમાજ (યુરોપ)ના મેનેજિંગ ટ્રસ્ટી અને ટ્રસ્ટી તરીકે બે દાયકા કરતાં વધુ સમયથી સેવા આપે છે. તેમણે ચારૂસેટ હોસ્પિટલમાં રામભાઈ એન્ડ મણિબેન પટેલ ડિપાર્ટમેન્ટ ઓફ સર્જરી માટે રૂ. 5 કરોડનું દાન આપ્યું છે. શ્રી સત્તાવીસ ગામ પાટીદાર સમાજ (યુરોપ)ને રૂ. 2 કરોડ, બાલગોપાલ ફાઉન્ડેશન યુકેને રૂ. 50 લાખ, નરેન્દ્ર મોદી કોરોના વાઇરસ ફંડ અપીલ માટે રૂ. 5 લાખ સહિત ધાર્મિક અને સામાજિક કલ્યાણાર્થે રૂ. 15 કરોડનું દાન આપ્યું છે.
દાતા કિરીટભાઈ પટેલ અને સુલોચનાબેન પટેલને સુરેન્દ્રભાઈ પટેલના હસ્તે દાનભાસ્કર એવોર્ડ એનાયત થયો હતો. જ્યારે નગીનભાઈ પટેલના હસ્તે સન્માનપુષ્પ અર્પણ કરીને શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. આ પ્રસંગે બાકરોલ પાટીદાર સમાજ, બાકરોલ વિકાસ કમિટી, અમેરિકા પાટીદાર સમાજ, યુકે પાટીદાર સમાજ, બાકરોલ યુવક મંડળ, બાકરોલ મહિલા સમાજ વગેરે સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ ડી. એન. હાઇસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વગેરે દ્વારા દાતાનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે જયમંગલ પટેલ, ગુજરાત સમાચારના મેનેજિંગ એડિટર કોકિલાબેન પટેલ, ઘનશ્યામ ગાંધી, જ્યોત્સનાબેન પટેલ, CEHT-UKના ડો. અંબરીષ પટેલ વગેરેએ પ્રાસંગિક પ્રવચનો કર્યાં હતાં.
ડો. એમ. સી. પટેલે કહ્યું કે, દેશના વિકાસ માટે મહત્ત્વપૂર્ણ શિક્ષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રે ચારૂસેટ ગ્લોબલ પ્લેયર તરીકે વિખ્યાત છે. કિરીટભાઈએ યુકેમાં ચારૂસેટ એજ્યુકેશનલ એન્ડ હેલ્થકેર ટ્રસ્ટ (CEHT)ની સ્થાપનામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. ત્યારે બે પ્રોજેક્ટ ચારૂસેટ યુનિવર્સિટી અને ચારૂસેટ હોસ્પિટલ આગળ વધારવામાં તેઓનો કાયમી નાતો જળવાઈ રહે અને હંમેશાં બોન્ડિંગ રહે તેવો અનુરોધ વ્યક્ત કર્યો હતો. નગીનભાઈ પટેલે કહ્યું કે, સમાજના વિકાસ માટે દાતાઓનો સહયોગ હંમેશાં મળતો રહ્યો છે અને ભવિષ્યમાં પણ કિરીટભાઈ તરફથી માતૃસંસ્થાના ઉત્કર્ષ પ્રોજેક્ટ માટે આર્થિક સહયોગ પ્રાપ્ત થશે તેવી આશા છે.
દાતા પરિવાર તરફથી સન્માનનો પ્રતિભાવ વ્યક્ત કરતાં શામિકભાઈએ જણાવ્યું હતું કે, પરિવાર અને સમાજ માટે કિરીટભાઈ મજબૂત શક્તિ છે. જિજ્ઞેશભાઇ પટેલે જણાવ્યું હતું કે અમે આ એવોર્ડ સ્વીકારતા આનંદની લાગણી વ્યક્ત કરીએ છીએ. કિરીટભાઈ પોતે જે કમાયા તેમાંથી સમાજને હંમેશાં પરત આપતા રહ્યા છે. અમને તેમના પર ગૌરવ છે અને તેઓ દાનની પ્રણાલી સદા યથાવત્ રાખશે તેવી શ્રદ્ધા છે.
અધ્યક્ષસ્થાનેથી શ્રી સુરેન્દ્રભાઈ પટેલે કહ્યું કે, વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતા ચારૂસેટ કેમ્પસના વિકાસ અને પ્રગતિનો શ્રેય કિરીટભાઈ જેવા દાનેશ્વરી દાતાઓના કારણે છે. તેમનું સન્માન કરવાની અમને તક મળી તેનું અમને પણ ગર્વ છે. અમારી સંસ્થા સાથે સદા જોડાયેલા રહેશો અને નાતો જાળવી રાખજો તેવો અનુરોધ તેમણે કર્યો હતો.

‘સમાચાર પત્ર - લેખો ચારૂસેટનું બીજારોપણ કરવામાં નિમિત્ત’
ગુજરાત સમાચારના મેને. એડિટર કોકિલાબહેન પટેલે કહ્યું હતું કે સમાચાર પત્ર - લેખો દ્વારા ચારૂસેટનું બીજારોપણ કરવામાં નિમિત્ત બન્યું છે. આજે આ ચારૂસેટ વટવૃક્ષ બની અનેકવિધ શાખાઓ, કોલેજો દ્વારા સતત વિસ્તરી રહ્યું છે એનો અમને આનંદ છે. કિરીટભાઈ પટેલ સાથે અમારે 40 વર્ષથી વધુ સમયનો ઘનિષ્ઠ સંબંધ છે. કિરીટભાઈ તથા સુલોચનાબેન શિવશક્તિ ઉપાસક છે. એમને ત્યાં દર નવરાત્રીની આઠમે યોજાતા નવચંડી યજ્ઞમાં સી.બી. પટેલ અને અમે સૌ ઉમંગભેર શ્રદ્ધાથી સામેલ થઈએ છીએ. સામાન્ય રીતે કોઈ દાનવીર કોઈ પણ સંસ્થા કે અન્નક્ષેત્રે દાન કરે તો એની જાહેર સભાઓ યોજી મંચ પર વાહ-વાહ થાય એવું ઇચ્છતા હોય છે પણ કિરીટભાઈ જુદી માટીનો માનવી છે. એ ત્રણ-ત્રણ હોટેલના માલિક હોવા સાથે ઉદાર હૃદયના દાનવીર છે, પણ એ ક્યારેય કોઈ સમારોહમાં સ્ટેજ પર બેસી પોતાની યશગાથા ગવડાવવા કે અન્યને સંભળાવવામાં માનતા નથી. આજે સૌના આગ્રહથી પહેલી વાર કિરીટભાઈ સ્ટેજ પર બેઠા છે અને ચારૂસેટના કાર્યકર્તાઓ એમનું દાનભાસ્કર એવોર્ડથી સન્માન કરી રહ્યા છે એ જોઈ ખૂબ હર્ષની લાગણી અનુભવું છું.

કાર્યક્રમના અંતે ARIP ના પ્રિન્સિપાલ ડો. બાલા ગણપતિએ આભારવિધિ કરી હતી. સમારંભનું સંચાલનI2IMના આસિસ્ટન્ટ પ્રોફેસર જયશ્રી મહેતા, ડો. લિપિ આચાર્ય, વિજય મકવાણા અને ડો. વિકાસ રાવલે કર્યું હતું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter