રાજ્યમાં સૌપ્રથમ પેપરલેસ પરીક્ષા ચારુસેટમાં

Sunday 02nd February 2020 05:39 EST
 
 

આણંદ: ચરોતર યુનિ. ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીએ રિફોર્મ પ્રોગ્રામ અંતર્ગત પેપરલેસ ડિજિટલ એક્ઝામિનેશન સિસ્ટમ શરૂ કરી છે. રાજયમાં ચારુસેટ યુનિ.માં સૌપ્રથમ આ સિસ્ટમ દાખલ કરાઈ છે. આ પદ્ધતિથી ઉત્તરવહીઓ, પ્રશ્નપત્રો, હોલટિકિટમાં વપરાતા પેપરનો બચાવ, પર્યાવરણની જાળવણી અને પરીક્ષા પદ્ધતિની ગુણવત્તામાં પણ વધારો થાય છે.
આ અગાઉ ચારુસેટ યુનિ. અને સિંગાપોર સ્થિત કંપની લિટલમોર ઇનોવેશન લેબ્સ વચ્ચે થયેલા સમજૂતી કરાર પછી લિટલમોર ચારુસેટને ડિજિટલ પરીક્ષામાં મદદ કરે છે. ચારુસેટના પ્રોવોસ્ટ ડો. પંકજ જોશી કહે છે કે, આપણી પરીક્ષા પદ્ધતિને વધુ સરળ કરવાના હેતુથી લિટલમોર સાથે એમઓયુથી આ પ્રથા અમલી બનાવાઈ છે. આ પદ્ધતિથી વિવિધ વિષયના વિદ્યાર્થીઓ એક સાથે પરીક્ષા આપી શકશે.
ચારુસેટ યુનિ. સંલગ્ન શ્રીમતી ચંદાબહેન મોહનભાઈ પટેલ ઇન્સ્ટિટયુટ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશનના ડીન–પ્રિન્સિપાલ અને ઇ-ગવર્નન્સ સિસ્ટમના કો-ઓર્ડિનેટર ડો. અતુલ પટેલ જણાવે છે કે, રાજ્યમાં ડિજિટલ એક્ઝામિનેશન શરૂ કરવામાં ચારુસેટ યુનિ. પ્રથમ છે. સમગ્ર યુનિ.ની ૧૦ કોલેજોના પ્રથમ વર્ષનાં ૨૪૦૦ વિદ્યાર્થીઓ આ પેપરલેસ પદ્ધતિથી પરીક્ષા આપે છે અને આ વિદ્યાર્થીઓ માટે ૧૦૦૦ ટેબલેટની વ્યવસ્થા છે. પ્રશ્નપત્રો કમ્પ્યુટરમાંથી કલાઉડ પર જાય અને ટેબલેટમાં અપલોડ થાય છે. પરીક્ષામાં બાયોમેટ્રિક - આઈરિસ સ્કેનથી ઓથેન્ટીફિકેશન થાય છે. ટેબલેટ ડિવાઇસનો બેટરી બેકઅપ ૧૪ કલાક છે. આ ટેબલેટ વાઇ ફાઈ કનેકશનથી ચાલે છે. આન્સર બુક ચેક થયા પછી વિદ્યાર્થીઓ જોઈ શકે છે. યુનિ.નું ભાવિમાં તમામ વર્ષના વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ પેપરલેસ પરીક્ષાનું આયોજન છે. ભારતમાં ફક્ત બે કે ત્રણ યુનિ.માં જ આ રીતે પરીક્ષા થાય છે. સીએમપીઆઈસીએના આસિસ્ટન્ટ પ્રોફેસર મિત્તલ દેસાઇ કહે છે કે, ડિજિટલી લેવાતી પરીક્ષામાં વિદ્યાર્થીઓએ પરીક્ષા આપતી વખતે કંઈ સાથે લાવવાની જરૂર નથી. પરીક્ષા પછી પ્રશ્નપત્રો કલાઉડ-ઇન્ટરનેટ પર જાય પછી પ્રોફેસર સરળતાથી લોગ ઇન કરી ચેક કરી શકે અને રિમાર્ક, સર્કલ, ટીક પણ કરી શકે છે. પરીક્ષામાં વિદ્યાર્થીઓને ઇ-ટેબલેટમાં જ હોલટિકિટથી માંડીને પ્રશ્નપત્રો અપાય છે. આ જ ઇ-ટેબલેટમાં વિદ્યાર્થીઓ જવાબ લખે છે. વિદ્યાર્થીના ઉત્તરોનું મૂલ્યાંકન કલાઉડ પ્લેટફોર્મથી ઓનલાઈન થાય જેથી પરીક્ષાના પરિણામો ઝડપથી બહાર પાડી શકાય અને પરીક્ષાની વિશ્વસનીયતા વધુ સુદૃઢ થાય. પરીક્ષકોએ કરેલા મૂલ્યાંકનનું પણ તજજ્ઞો દ્વારા નિયમિત વિશ્લેષણ કરાશે. જેથી શિક્ષણની ગુણવત્તામાં પણ વૃદ્ધિ કરી શકાય.
ચારુસેટ યુનિ.માં ટ્રાન્સ્ક્રિપ્ટ તથા પ્રોવિઝનલ ડિગ્રી પ્રમાણપત્રો વિદ્યાર્થીઓને પરીક્ષાના પરિણામની સાથે જ અપાય છે. ઉલ્લેખનીય છે કે પેપરલેસ ડિજિટલ યુનિ. એક્ઝા. સિસ્ટમ માટે લિટલમોર દ્વારા ચારુસેટ યુનિ.ના સ્ટાફ - વિદ્યાર્થીઓ માટે તાલીમ વર્ગો પણ યોજાયા હતા.
આ પરીક્ષા પદ્ધતિને ચારુસેટના પ્રમુખ સુરેન્દ્ર પટેલ, કેળવણી મંડળના ઉપપ્રમુખ સી. એ. પટેલ –કિરણભાઈ પટેલ, મંત્રી ડો. એમ. સી. પટેલ, પ્રોવોસ્ટ ડો. પંકજ જોશી, રજિસ્ટ્રાર ડો. દેવાંગ જોશી, ટ્રસ્ટીઓ, સલાહકારો, હોદ્દેદારો અને યુનિ.ના વિવિધ ફેકલ્ટીના પ્રિન્સીપાલ–ડીન વગેરેએ પણ બિરદાવ્યા છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter