સ્વામી સચ્ચિદાનંદજીને પદ્મભૂષણ સન્માન એનાયત

Wednesday 11th May 2022 06:16 EDT
 
 

નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા શાનદાર પદ્મ એવોર્ડ સમારંભમાં રાષ્ટ્રપિત રામનાથ કોવિંદના હસ્તે પદ્મભૂષણ સન્માન સ્વીકારતા ભક્તિ નિકેતન આશ્રમ - દંતાલીના પ.પૂ. સ્વામીશ્રી સચ્ચિદાનંદજી પરમહંસ. ૨૧ માર્ચના રોજ યોજાયેલા આ સમારંભમાં સ્વામીજી સાથે સુરેન્દ્રભાઇ પટેલ (લંડન), સુરતના અગ્રણી બિલ્ડર તથા દાતા લવજીભાઇ ડાલિયા (બાદશાહ), પિયુષભાઇ ડાલિયા (કપિરાજ), શક્તિસિંહ ચુડાસમા અને જિજ્ઞેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યાા હતા. સમારોહ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વામીજીને મળીને તેમના ખબરઅંતર પૂછ્યા હતા. ક્રાંતિકારી સંત તરીકેની ઓળખ ધરાવતા સ્વામીજી તેમના વૈજ્ઞાનિક અભિગમ માટે જાણીતા છે. માનવતાથી મોટો કોઇ ધર્મ નથી, સંપ્રદાયમુક્ત ધાર્મિક્તા અને એકતા પરમો ધર્મ, વીરતા પરમો ધર્મ જેવા સૂત્રો થકી સમાજને સાચો રાહ ચીંધનારા સ્વામીજી ૯૦ વર્ષની વયે પણ તન-મન-ધનથી રાષ્ટ્રસેવા-સમાજસેવામાં સક્રિય છે. નાતજાતના ભેદભાવ વગર કરોડો રૂપિયાનું દાન આપી ચૂક્યા છે. એક કરતાં વધુ ભારતભ્રમણ અને ૮૫થી વધુ દેશોનો પ્રવાસ ખેડી ચૂકેલા સ્વામીજીએ ધર્મ-અધ્યાત્મથી માંડીને પ્રવાસવર્ણનના અનેક પુસ્તકો પણ લખ્યા છે. ‘ગુજરાત સમાચાર’ અને Asian Voice માટે વિશેષ લગાવ ધરાવતા પ.પૂ. સ્વામીજીને ભારત સરકારનું સર્વોચ્ચ નાગરિક સન્માન એનાયત થયું છે તે પ્રસંગે એબીપીએલ પરિવાર આનંદની લાગણી વ્યક્ત કરે છે અને સ્વામીજીના નિરામય દીર્ઘાયુ માટે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરે છે. 


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter