મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી હવે એશિયાના પહેલા અને બીજા નંબરના ધનપતિ

Tuesday 25th May 2021 13:26 EDT
 
 

નવી દિલ્હીઃ એશિયાના પહેલા અને બીજા નંબરના અમીરોમાં ગુજરાતી ઉદ્યોગપતિઓ - રિલાયન્સ ગ્રૂપના મુકેશ અંબાણી અને અદાણી ગ્રૂપના ગૌતમ અદાણીએ સ્થાન મેળવ્યું છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી ૭૬.૩ બિલિયન ડોલરની સંપત્તિ સાથે ઘણા વર્ષોથી એશિયાનાં પહેલા નંબરના અબજોપતિ તરીકે અગ્રેસર રહ્યા છે. જોકે આ વર્ષે અદાણીની સંપત્તિ ૩૩.૮ બિલિયન ડોલર વધી છે અને અંબાણીથી તેમની મિલકત ફક્ત ૮.૭ બિલિયન ડોલર જ ઓછી છે. અદાણીની સંપત્તિ જે ઝડપથી વધી રહી છે તેને ધ્યાનમાં લઈએ તો થોડા સમયમાં જ તેઓ સંપત્તિની બાબતમાં અંબાણીથી આગળ વધી જાય તેવી શક્યતા છે. ગૌતમ અદાણી ચીનના ઝોંગ શાનશાનને પછાડીને એશિયાના બીજા નંબરના અબજોપતિ બની ગયા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ મુજબ તેમની સંપત્તિ ૬૭.૬ બિલિયન ડોલર થઈ ગઈ છે.

અદાણી ગ્રૂપ ૧૦૦ બિલિયન ડોલરની ક્લબમાં!
અદાણી ગ્રૂપની છ લિસ્ટેડ કંપનીઓમાંથી પાંચનું માર્કેટ કેપ રૂ. ૧ લાખ કરોડથી વધારે છે. ગ્રૂપની ૬ લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ ૧૦૦ બિલિયન ડોલરથી વધુ છે. આમ અદાણી ગ્રૂપ ૧૦૦ બિલિયન ડોલરની ક્લબમાં સામેલ થઈ ગયું છે. તાતા ગ્રૂપ અને રિલાયન્સ ગ્રૂપ પછી હવે અદાણી ગ્રૂપ ૧૦૦ બિલિયન ડોલરની ક્લબમાં ત્રીજું ગ્રૂપ બની ગયું છે.

અદાણીની સંપત્તિમાં એક દિવસમાં તોતિંગ વધારો
બુધવાર અને ગુરુવાર વચ્ચે ફક્ત એક જ દિવસમાં ગૌતમ અદાણીની સંપત્તિમાં ૧.૧૧ બિલિયન ડોલરનો વધારો થયો છે. આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં તેમની સંપત્તિમાં ૩૨.૭ બિલિયન ડોલર (એટલે કે આશરે રૂ. ૨.૩૮ લાખ કરોડ)નો વધારો થયો છે. જ્યારે મુકેશ અંબાણીની સંપત્તિમાં એક જ દિવસમાં ૨૨ કરોડ ડોલરનો ઘટાડો થયો છે. અંબાણીની કુલ સંપત્તિ ૭૬.૩ બિલિયન ડોલર થઈ છે જ્યારે અદાણીની કુલ સંપત્તિ ૬૭.૬ બિલિયન ડોલર થઈ ગઈ છે. આમ બંનેની સંપત્તિમાં ૮.૭ અબજ ડોલરનો એટલે કે રૂ. ૬૩,૫૩૦ કરોડનો તફાવત રહ્યો છે.
હાલ અદાણી ગ્રૂપ ખાણકામ, પોર્ટસ, પાવર પ્લાન્ટસ, એરપોર્ટસ, ડેટા સેન્ટર્સ અને ડિફેન્સમાં કારોબાર કરી રહ્યું છે. છેલ્લા એક વર્ષમાં તેની નેટવર્થમાં જબરદસ્ત વધારો થયો છે. અદાણી ગ્રૂપની કંપનીઓ અદાણી ગ્રીન, અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી ગેસ અને અદાણી ટ્રાન્સમિશનના શેરના ભાવ ઝડપથી વધ્યા છે.
છેલ્લા એક વર્ષમાં અદાણી ટોટલ ગેસના શેરમાં ૧૧૪૫ ટકાનો અને અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં ૮૨૭ ટકાનો તેમજ અદાણી ટ્રાન્સમિશનના શેરમાં ૬૧૭ ટકાનો વધારો થયો છે. વિશ્વના ટોચના અબજોપતિઓની યાદીમાં ગૌતમ અદાણી ૧૪મા ક્રમે આવી ગયા છે, જ્યારે મુકેશ અંબાણી આ લિસ્ટમાં ૧૩મા સ્થાને છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter