વોશિંગ્ટનઃ અમેરિકામાં સડક યાત્રા દરમિયાન લાપતા થયેલા ગુજરાતી પરિવારના ચાર સીનિયર સિટીઝન રવિવારે મૃત અવસ્થામાં મળી આવ્યા છે. માર્શલ કાઉન્ટી શેરીફ ઓફિસે આ ચારેય સિનિયર સિટીઝન્સનું કાર અકસ્માતમાં મૃત્યુ થયાની વાતને સમર્થન આપ્યું છે. મૃત્યુ પામેલા તમામની ઉંમર 80 વર્ષથી વધુ છે.
શેરિફ ઓફિસના એક નિવેદન અનુસાર તેમનું વાહન બિગ વ્હીલિંગ ક્રીક રોડની પાસે એક ઢોળાવ પર ક્ષતિગ્રસ્ત સ્થિતિમાં મળી આવ્યું હતું. આ વિસ્તાર ખૂબ જ અંતરિયાળ છે. જેના કારણે રેસ્ક્યુ ટીમને દુર્ઘટના સ્થળ સુધી પહોંચવામાં પણ પાંચ કલાકથી વધુ સમય લાગ્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે મૃતકોની ઓળખ ડો. કિશોર દિવાન (89), આશા દીવાન (85), શૈલેશ દિવાન (86) અને ગીતા દિવાન (84) તરીકે કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઉલ્લેખનીય છે કે ન્યૂ યોર્કથી રવાના થયેલા આ ચારેય સિનિયર સિટીઝન્સ 29 જુલાઇના રોજ પેન્સિલ્વેનિયાના ઇરી સ્થિત પીચ સ્ટ્રીટ પર આવેલા એક બર્ગર કિંગ રેસ્ટોરાંમાં છેલ્લે જોવા મળ્યા હતાં. આ રેસ્ટોરાંમાં જ તેમનું આખરી ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન પણ થયું હતું.
આ ચારેય ગુજરાતીઓ સુપ્રસિદ્ધ ધાર્મિક સ્થળ પેલેસ ઓફ ગોલ્ડ તરફ જઇ રહ્યા હતા, જે ઇસ્કોનના સંસ્થાપક સ્વામી પ્રભુપાદના અનુયાયીઓ દ્વારા બનાવવામાં આવ્યું છે. તેઓ 30 જુલાઇની રાત આ સ્થળે વિતાવવાના હતાં પણ તેઓ ત્યાં પહોંચી શક્યા જ નહીં.
શેરિફ માઇક ડોઘર્ટીએ આ હૃદયદ્રાવક ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે દુર્ઘટનાના કારણો જાણવા માટે તપાસ ચાલુ છે. આ તમામ લોકો માર્શલ કાઉન્ટી સ્થિત પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ પેલેસ ઓફ ગોલ્ડ જઇ રહ્યાં હતાં અને તેમનું ત્યાં જ રોકાવાનું આયોજન હતું.
સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ, 29 જુલાઇ પછી ચારેય સિનિયર સિટીઝન્સ પૈકી કોઇએ પણ ફોન કોલનો જવાબ આપ્યો ન હતો. સેલ ટાવર ડેટાએ છેલ્લે 30 જુલાઇ - બુધવારે માઉન્ડ્સવિલામાં તેમના ડિવાઇસથી સિગ્નલ પ્રાપ્ત કર્યા હતાં. આ પછી લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓએ સર્ચ ઓપરેશન માટે હેલિકોપ્ટર સહિતની વધારાની ટીમોને કામે લગાવી હતી.