રાજ્યમાં ભરપૂર મેઘમહેરઃ સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક 16 ઈચ સુધી વરસાદ

Wednesday 03rd July 2024 05:02 EDT
 
 

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાનો માહોલ જામી ગયો છે. રાજ્યના 251માંથી 250 તાલુકાને મેઘરાજાએ આવરી લીધા છે. જોકે ઉત્તર ગુજરાતનો સમી તાલુકો મેઘમહેરથી વંચિત છે. બીજી તરફ, જૂનાગઢ, જામનગર વિસ્તારમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. સારા વરસાદને કારણે જૂનાગઢ વિસ્તારના 8 ડેમ ચોમાસાના પ્રારંભમાં જ છલકાઈ ગયા હતા તો ઘેડ વિસ્તારમાં પાણી ભરાતા સંખ્યાબંધ રસ્તા ડૂબી જતા લોકોની હાલત કફોડી બની હતી. બે દિવસમાં રાજ્યના 250 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. મધ્ય ગુજરાતમાં પણ ઠેરઠેર હળવો વરસાદ નોંધાયો હતો. પંચમહાલમાં હાલોલ અને જાંબુઘોડામાં એક-એક ઇંચ વરસાદ પડયો હતો. તો દક્ષિણ ગુજરાતમાં પણ સુરત શહેર સહિત વલસાડ, બારડોલીમાં હળવોથી ભારે વરસાદ નોંધાયો હતો.
સૌરાષ્ટ્રમાં તો રવિવારની રાતથી આભ ફાટયું હોય તેમ સર્વત્ર શ્રીકાર વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢ જિલ્લામાં બારે મેઘ ખાંગા થયા હોય તેમ માણાવદર, પાજોદમાં 15થી 16 ઈંચ, જયારે ગિરનાર ઉપર 12, વંથલીમાં 12, જૂનાગઢ શહેર, મેંદરડા, વિસાવદર, કેશોદમાં 9થી 11 ઈંચ, જયારે કલ્યાણપુર, ખંભાળિયા, દ્વારકામાં 8થી 10 ઈંચ વરસાદ વરસ્યો છે.
રાજકોટ જિલ્લાના ધોરાજી, ઉપલેટા, અમરેલી જિલ્લાના વડિયામાં પણ 5થી 6 ઈંચ વરસાદ થયો છે. જામકંડોરણામાં સાડા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદથી સોરઠના અનેક ગામો સંપર્કવિહોણા બન્યા છે, કલ્યાણપુરના લાંબા ગામે લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. અનેક માર્ગો બંધ થતા એસ.ટી. સેવાને અસર પહોચી છે. સૌરાષ્ટ્રમાં 26થી વધુ ડેમોમાં નવા નીરની આવક સાથે નદીઓ ગાંડીતૂર બની છે. ઉપલેટા નજીક લાઠ ગામે ધસમસતા પૂરના કારણે આઠ વિદ્યાર્થીને રેસ્ક્યુ ટીમે પાણીનું વહેણને પાર કરાવ્યું હતું.
રાહત-બચાવ ટીમ તૈનાત, ત્રણ હાઇવે બંધ
માણાવદરમાં 16 ઇંચ વરસાદથી 19 જેટલા ગામો સંપર્કવિહોણા બન્યા છે. તો અહીંના ત્રણ મુખ્ય ધોરીમાર્ગો બંધ કરવાની ફરજ પડી છે. ઘેડ પંથકના ગ્રામ્ય વિસ્તારમાં પાણી ફરી વળતા જાણે અમુક ગ્રામ્ય વિસ્તારો બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ગિરનાર ઉપર અનરાધાર 12 ઇંચ અને જૂનાગઢમાં 10 ઇંચ વરસાદથી એક જ દિવસમાં દામોકુંડ, વિલિંગડન ડેમ અને નરસિંહ મહેતા સરોવર છલકાયા છે. જિલ્લામાં સાત ડેમમાં નવા નીરની આવક અને 5 ડેમના દરવાજા ખોલવા પડયા છે. ભારે વરસાદને લઈને એસટી પરિવહન સેવાને પણ અસર થયેલ છે. રેસ્ક્યુ માટે રાજ્ય સરકાર તરફથી એસડીઆરએફની એક ટીમ તૈનાત કરવામાં આવી છે.
રાજકોટ જિલ્લામાં મેઘરાજાએ સટાસટી બોલાવી હતી. જિલ્લામાં એકથી આઠ ઇંચ ઉપરાંત વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ ધોરાજીમાં સાડા આઠ ઈંચ ધોધમાર વરસાદ પડયો હતો. જામકંડોરણા સાડા 3 ઇંચ, ઉપલેટા 3 ઇંચ, જેતુપરમાં અઢી ઇંચ,ગોંડલમાં 2 ઇંચ, પડધરી, લોધીકા, કોટડાસાંગાણીમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો.
ઉત્તર ગુજરાતમાં કાચું સોનું વરસ્યું
ઉત્તર ગુજરાતમાં કાચું સોનું વરસી રહ્યું હોય તેમ ધીમી ધારે મોટાભાગના તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે. જેમાં સોમવારે સાબરકાંઠાના તલોદમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો જ્યારે અરવલ્લીના ધનસુરા અને સાબરકાંઠાના હિંમતનગરમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે અન્ય તાલુકાઓમાં પણ મેઘમહેર જોવા મળી હતી.
ક્યાંક ભરપૂર છે તો ક્યાં ઘટ છે
રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સરેરાશ સવા 35 ઇંચ વરસાદના અંદાજ સામે જૂનમાં સિઝનના 13.02 ટકા સાથે સાથે સરેરાશ સાડા 4 ઇંચ વરસાદ થઇ ચૂક્યો છે. તેમ છતાં જૂનની જરૂરિયાત કરતાં 14 ટકા વરસાદની ઘટ છે. કેમ કે જૂનમાં સરેરાશ સવા 5 ઇંચથી સામાન્ય વધુ વરસાદ થવો જોઈએ. ભારતીય હવામાન વિભાગે જુલાઈ મહિના માટે રજૂ કરેલા અનુમાન મુજબ, રાજયમાં સામાન્ય કે તેથી વધુ વરસાદની શક્યતા છે. જેમાં ગીરસોમનાથ, પોરબંદર અને જૂનાગઢમાં સામાન્ય વરસાદની શક્યતા છે. જ્યારે રાજ્યના બાકી રહેતાં તમામ વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ વરસાદની શક્યતા છે. એમાં પણ દક્ષિણ ગુજરાત સાથે મધ્ય-પૂર્વ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વધુ વરસાદની શક્યતા છે. રાજ્યના 251 તાલુકામાં એક માત્ર પાટણના સમી તાલુકામાં હજુ મેઘમહેર થઈ નથી. જ્યારે વલસાડના ઉમરગામમાં સૌથી વધુ 20 ઇંચ વરસાદ થઇ ચૂક્યો છે. રાજ્યના 5 ઝોનમાં એક માત્ર કચ્છ ઝોન એવો છે કે, જ્યાં જરૂરત કરતાં 98.51 ટકા વધુ વરસાદ થયો છે. જ્યારે ઉત્તર ઝોનમાં સૌથી વધુ 48.46 ટકા વરસાદની ઘટ રહી છે. બીજી બાજુ, રાજ્યના 33 પૈકી માત્ર 6 જિલ્લામાં જરૂરત કરતાં વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે 27 જિલ્લામાં વરસાદની ઘટ રહી છે. રાજ્યમાં સૌથી વધુ દેવભૂમિ દ્વારકામાં સરેરાશ સવા 4 ઈંચની જરૂરીયાત સામે સવા 9 ઇંચ (118.16 ટકા) વરસાદ વરસ્યો છે. જ્યારે કચ્છમાં 98.51 ટકા, બોટાદમાં 40.14 ટકા, મોરબીમાં 22.36 ટકા, જૂનાગઢમાં 12.45 ટકા અને ભાવનગરમાં 6.58 ટકા વધુ વરસાદ થયો છે. બીજી બાજુ મહીસાગરમાં 4 ઈંચની જરૂરત સામે માત્ર દોઢ ઇંચ વરસાદ થયો છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter