વન્ડર ઓફ ધ વર્લ્ડ સ્ટેચ્યુ ઓફ યુનિટી

Tuesday 14th January 2020 07:26 EST
 
 

નવી દિલ્હીઃ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાની ઓળખ ધરાવતા સરદાર પટેલના સ્ટેચ્યૂ ઓફ યુનિટીને હવે નવી ઓળખ મળી છે. નરેન્દ્ર મોદીના સ્વપ્નસમાન સ્ટેચ્યુ ઓફ યુનિટીએ વિશ્વની આઠમી અજાયબી તરીકેનું બહુમાન મેળવ્યું છે. ચીન સ્થિત એશિયાઈ દેશોના સંગઠન શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (એસસીઓ)એ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો સમાવેશ આઠમી અજાયબી તરીકે કર્યો છે. આ અંગેની જાણકારી વિદેશ પ્રધાન એસ. જયશંકરે ગુજરાતી ભાષામાં ટ્વિટ કરીને આપી હતી. એસસીઓના સેક્રેટરી જનરલ વ્લાદિમીર નોરોવે દિલ્હીમાં વિદેશપ્રધાન જયશંકર સાથે મંત્રણા કર્યા બાદ આ જાહેરાત કરી હતી.

એસસીઓઃ મધ્ય એશિયાઇ દેશનું સંગઠન

એસસીઓ મધ્ય એશિયાઇ દેશોનું એક એવું સંગઠન છે જે એશિયા-પેસિફિક સહયોગથી સલામતી, સંસ્કૃતિ, વ્યાપાર, અર્થતંત્ર અને રાજકીય ક્ષેત્રે કામ કરે છે. આ સંગઠનમાં ભારત ઉપરાંત રશિયા, ચીન, કિર્ગિસ્તાન, કઝાખસ્તાન, પાકિસ્તાન, ઉઝબેકિસ્તાન અને તાજિકિસ્તાન સભ્ય દેશો છે. આ દરેક દેશના રાજકીય વડા તેની કાઉન્સિલના પ્રતિનિધિ હોય છે. આ સંગઠન તેના પ્રતિનિધિ દેશોમાં પ્રવાસન પ્રવૃત્તિ વધે તે માટે પ્રયત્ન કરે છે. આ ઉપરાંત જોઇન્ટ મિલિટરી ઓપરેશન દ્વારા દેશો આતંકવાદ જેવી સમસ્યાને નાથવાના પ્રયાસ પણ કરે છે. સંગઠનની પહેલી બેઠક ૨૦૦૧માં શાંઘાઈમાં મળી હોવાથી એ શાંઘાઈના નામે ઓળખાય છે. આ લિસ્ટમાં અન્ય સાત દેશોના સ્થળો પણ સામેલ છે.

અન્ય સાત અજાયબીઓ

એસસીઓ દ્વારા અજાયબી (વન્ડર ઓફ ધ વર્લ્ડ)ની યાદી જાહેર કરાય છે. આ યાદી વૈશ્વિક નથી. આ યાદી સંગઠનના સભ્ય દેશોમાં આવેલી અજાયબીઓની છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીને આઠ અજાયબીમાં સામેલ કરવાનો અર્થ એ છે કે એસઓસી પોતે પોતાના સભ્ય દેશોમાં વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો પ્રચાર કરશે. આમ સ્ટેચ્યૂના પ્રવાસનને વેગ મળશે.
ગયા વર્ષે જૂન માસમાં ચીનના બૈજિંગમાં યોજાયેલી એસસીઓની બેઠકમાં આઠ અજાયબીઓના ફોટોગ્રાફ્સ પ્રદર્શિત કરાયા હતા તેમાં ભારતમાંથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો સમાવેશ કરાયો હતો. આ ઉપરાંત કઝાકિસ્તાનના તામગેલીના પુરાતત્ત્વીય સ્થળો, ચીનનો ડેમિંગ પેલેસ, કિર્ગિસ્તાનનું ઇસ્સીક-કુલ સરોવર, પાકિસ્તાનમાં મુઘલવંશનો ઐતિહાસિક વારસો ધરાવતાં સ્મારકો, રશિયાની ગોલ્ડન રીંગ, તાઝીકિસ્તાનનો નવરુઝ પેલેસ અને ઉઝબેકિસ્તાનના બુખારા સ્થિત હિસ્ટોરિક સેન્ટરનો સમાવેશ થતો હતો.

વિદેશી પ્રવાસીઓનું આગમન વધશે

સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટ રરાજીવ કુમાર ગુપ્તાએ કહ્યું હતું કે સ્ટેચ્યૂ ઓફ યુનિટીને વિશ્વની આઠમી અજાયબી જાહેર કરાઇ છે. તે આપણા માટે ખરેખર ગર્વની વાત છે. આઠમી અજાયબી તરીકે ઘોષિત થયા બાદ સ્ટેચ્યૂ ઓફ યુનિટી તરફ વિદેશી પ્રવાસીઓનો ધસારો ખાસ્સો વધશે. હાલની સરેરાશ પ્રમાણે દૈનિક ૧૮,૦૦૦ પ્રવાસીઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લે છે અને તેમાં પણ ખાસ્સો વધારો થશે તો સાથોસાથ સ્થાનિક પ્રવાસીઓની સંખ્યા પણ વધશે.

સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી કરતા વધુ પ્રવાસી!

સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું લોકાર્પણ ૩૧ ઓક્ટોબર ૨૦૧૮ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યારથી અત્યાર સુધીના સવા વર્ષમાં ૩૧.૬૫ લાખ પ્રવાસીઓએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લઇ ચૂક્યા છે. આ સમયગાળામાં સ્ટેચ્યૂએ ૭૯.૯૪ કરોડ રૂપિયાથી અધધ કમાણી કરી છે.
ઉલ્લેખનીય છે કે સ્ટેચ્યૂ ઓફ યુનિટી નિહાળવા માટે આવનારાઓની સંખ્યા અમેરિકાના ૧૩૩ વર્ષ જુના સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી જોવા આવનારા પ્રવાસીઓ કરતાં પણ વધી ગઇ છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટે દરરોજ ૧૮ હજારથી વધુ પ્રવાસીઓ આવે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter