વરિષ્ઠ પત્રકાર - સાહિત્યકાર વિષ્ણુ પંડ્યાને ગુજરાત યુનિવર્સિટી દ્વારા ડી.લિટની માનદ્ પદવી એનાયત

Wednesday 22nd May 2019 06:51 EDT
 
 

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં યોજાયેલા સમારોહમાં રાજયપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિ ઓ. પી. કોહલીના હસ્તે રાજ્યમાં વિવિધ ક્ષેત્રે મહત્ત્વનું પ્રદાન કરનારા મહાનુભાવોને ડી.લિટની માનદ પદવીથી સન્માનિત કરાયા હતા. આ મહાનુભાવોમાં વરિષ્ઠ પત્રકાર, સાહિત્યકાર, ઇતિહાસ સંશોધક, ‘ગુજરાત સમાચાર’ના માનદ્ તંત્રી અને ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ વિષ્ણુ પંડ્યાનો પણ સમાવેશ થાય છે. આ પ્રસંગે કુલપતિ ડો. હિમાંશુ પંડ્યા, વિવિધ ફેકલ્ટીના અધ્યક્ષો, અધ્યાપકો તેમજ વિદ્યાર્થી ઉપસ્થિત હતા. પદવી પ્રાપ્ત અન્ય મહાનુભાવોમાં ખ્યાત સાહિત્યકાર રઘુવીર ચૌધરી અને લેખક ગુણવંત શાહ, સુધીર નાણાવટી, બ્રહ્મવિહારીદાસ, પરમાત્માનંદ અને કવિ અંકિત ત્રિવેદીનો સમાવેશ થાય છે.
વિષ્ણુ પંડયાએ ઇતિહાસ, સાહિત્ય, પત્રકારત્વ તેમજ મીડિયામાં ૫૦ વર્ષથી પ્રદાન કર્યું છે. તેમના ૯૩ પુસ્તકો પ્રકાશિત થયાં છે. ઇતિહાસ સંશોધન માટે તેમને નર્મદ ચંદ્રક મળ્યો છે. કટોકટી અને સેન્સરશીપ સામે સંઘર્ષ કરવા ૧૯૭૫-૭૬માં ‘મિસા’ કાનૂન હેઠળ એક વર્ષનો કારાવાસ પણ વેઠયો હતો. ૨૦૧૭માં તેમને સાહિત્ય, પત્રકારત્વ અને શિક્ષણ માટે રાષ્ટ્રીય સ્તરનું સર્વોચ્ચ ‘પદ્મશ્રી’ સન્માન રાષ્ટ્રપતિના વરદ હસ્તે એનાયત કરાયું હતું. વિષ્ણુભાઈ ગુજરાતી સાહિત્ય અને પત્રકારત્વના અધ્યાપક તરીકે કામ કરી ચૂક્યા છે. ઈન્દોર પત્રકારત્વ યુનિવર્સિટી દ્વારા તેમને ‘સ્વતંત્રતા પછીનું પત્રકારત્વ’ વિષયે ફેલોશિપ આપવામાં આવી હતી. તેનું પુસ્તક પણ પ્રકાશિત થયું છે. તેઓ હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં વિવિધ અખબારો અને સામયિકોમાં લેખક છે. મોરેસિયશમાં યોજાયેલા વિશ્વ હિન્દી સંમેલનમાં તેમણે ગુજરાતનું પ્રતિનિધિત્વકર્યું હતું. હૈદ્રાબાદમાં આંતરરાષ્ટ્રીય સાહિત્ય સંસ્થા ‘પેંટાસી’એ તેમનું આજીવન ઉપલબ્ધિ માટે સન્માન કર્યું હતું. હાલ તેઓ ગુજરાત સાહિત્ય અકાદમી તેમજ સંસ્કૃત, ઊર્દૂ, હિન્દી, સિંધી, કચ્છી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ તરીકે સેવા આપે છે.
વિષ્ણુભાઈનો જન્મ સૌરાષ્ટ્રના માણાવદરમાં થયો હતો. ગુજરાત યુનિવર્સિટીમાં ઉમાશંકર જોશી, ડો. હરિવલ્લભ ભાયાણી તેમજ અન્ય અધ્યાપકો પાસે તેમણે અનુસ્નાતકનું શિક્ષણ લીધું હતું. સમયમાં હસ્તાક્ષર, ઉતિષ્ઠ ગુજરાત, લંડનમાં ઇંડિયન સોશયોલોજિસ્ટ, શબ્દની રણભૂમિ, અટલજી: કવિ અને કવિતા, વિપ્લવમાં ગુજરાત, અલગાવની આંધી, હથેળીનું આકાશ, રંગ દે બસંતી ચોલા, સરહદ પર સાવધાન, શ્યામજી કૃષ્ણવર્મા: ક્રાંતિની ખોજમાં, આવશે દિવસો કવિતાના, જીવન સાધકની વિમલ યાત્રા વગેરે પુસ્તકોનાં તેઓ લેખક છે. તેમનાં સ્વ. પત્ની ડો. આરતી પંડ્યા પણ અધ્યાપક, સંપાદક અને લેખક હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter