વોશિંગ્ટનમાં ભારતીય શિલ્પકળાનું પ્રતીક આકાર લઇ રહ્યું છે શિખરબંધી દેરાસર

Tuesday 19th November 2019 04:46 EST
 
 

અમદાવાદઃ અમેરિકાના પાટનગર વોશિંગ્ટનમાં આશરે ૫.૫ એકર વિસ્તારમાં ભારતીય શિલ્પ કળાના પ્રતીકસમાન ભવ્યાતિભવ્ય શિખરબંધી દેરાસરનું નિર્માણકાર્ય હાથ ધરાયું છે. આ દેરાસરની સાથે સાથે જ અત્યાધુનિક કોમ્યુનિટી સેન્ટરનું પણ નિર્માણ થશે. જ્યાં વિવિધલક્ષી સમાજોપયોગી પ્રવૃત્તિઓ હાથ ધરાશે. આ દેરાસર માટે સ્થાનિક જૈન સમુદાયમાં કેવો આનંદ-ઉલ્લાસ પ્રવર્તે છે તેનો અંદાજ એ વાત પરથી મળે છે કે છઠ્ઠી ઓક્ટોબરે દેરાસરના શિલાન્યાસ વેળા માત્ર ૩૦ મિનિટમાં ૩.૫ મિલિયન ડોલરનું જંગી ભંડોળ એકત્ર થઇ ગયું હતું.
વોશિંગ્ટ્ન ડી.સી., મેરિલેન્ડ અને નોર્ધર્ન વર્જિનિયામાં વસતાં તમામ ફિરકાના જૈન પરિવારો માટે ધર્મ-સંસ્કૃતિનું કેન્દ્ર બની રહેનારા આ સંકુલનું નિર્માણકાર્ય જૈન સોસાયટી ઓફ મેટ્રોપોલિટન વોશિંગ્ટન (જેએસએમડબ્લ્યુ) દ્વારા હાથ ધરાયું છે. મેરિલેન્ડના બેલ્ટ્સવિલમાં આકાર લઇ રહેલું આ શિખરબંધી દેરાસર ૫૧ ફૂટ ઊંચું, ૯૩ ફૂટ પહોળું અને ૧૦૫ ફૂટ લાંબુ હશે. સ્થાનિક જૈન સંઘ દ્વારા ૨૦૧૧માં મેરિલેન્ડ દેરાસર તેમજ કમ્યુનિટી સેન્ટર માટે આ જગ્યા ખરીદાઇ હતી. હવે અહીં ૬૦૦૦ ચોરસ ફૂટના શિખરબંધી દેરાસરની સાથે સાથે ૩૦ હજાર ચોરસ ફૂટમાં ધાર્મિક, શૈક્ષણિક, સામાજિક તથા સાંસ્કૃતિક પ્રવૃતિ માટે અત્યાધુનિક સાધનસુવિધાથી સજ્જ કોમ્યુનિટી સેન્ટર પણ સાકાર થશે.

શિલાન્યાસ વેળા ચારથી છ ઓક્ટોબર ત્રણ દિવસનો શાનદાર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જૈન-જૈનેતરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે દાંડિયારાસથી માંડીને ધાર્મિક નૃત્યો, સ્તોત્રો, ગીત-સંગીતના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. નરેન્દ્રભાઇ નંદુના માર્ગદર્શનમાં શિલાપૂજન વિધિ યોજાઇ હતી.
સંસ્થાના પ્રમુખ શરદ દોશી અને પ્રોજેક્ટ ચેરમેન અરવિંદ શાહના જણાવ્યા અનુસાર, કરોડો રૂપિયાના ખર્ચે બનનારા આ દેરાસર – કોમ્યુનિટી સેન્ટર વિશ્વભરના પ્રવાસીઓ અને નવી પેઢીમાં જૈન ધર્મની સંસ્કૃતિ અને સિદ્ધાંતોના પ્રચાર-પ્રસાર માટે પાયાનાં પગથિયાં સમાન કામગીરી કરશે. સૂચિત જૈન સેન્ટરનું નિર્માણકાર્ય ત્રણેક વર્ષમાં પૂરું થઇ જવાની ધારણા છે.
ઉલ્લેખનીય છે કે જેએસએમડબ્લ્યુનો મુખ્ય ઉદ્દેશ જૈન સિદ્ધાંતો અંગે જાગ્રતિ આણવાની સાથોસાથ ભાવિ પેઢીમાં જૈન સંસ્કારોનું સિંચન કરવાનો તેમજ તમામ ફિરકાઓને એક તાંતણે બાંધીને જૈન એકતાને વધુ મજબૂત બનાવવાનો છે.

સ્થાપત્ય કળાનો ઉત્કૃષ્ટ નમૂનો

આશરે ૧૦૦૦ વર્ષ સુધી ટકી શકે તેવી સોમપુરા શિલ્પ સ્થાપત્યની નાગરાદિ શૈલીથી બનનારા આ દેરાસરના ગર્ભગૃહમાં મૂળ નાયક તરીકે પાર્શ્વનાથજીની ૫૧ ઇંચની પ્રતિમાજી સ્થપાશે. તેમ જ ગર્ભગૃહની ફરતે ૨૪ જિનાલયની પણ સંરચના કરાશે. પ્રાચીન કાળની જૈન શિલ્પ સ્થાપત્યની પરંપરા અનુસાર સંગેમરમરના સફેદ પથ્થરોમાંથી સાકાર થનારા આ જિનાલયમાં હથોડા-ટાંકણાથી નકશીકામ કરાશે. ગુજરાત અને રાજસ્થાનના શિલ્પકારોએ કંડારેલા ૫૦૦૦થી પણ વધુ આરસપહાણના પથ્થરોને દરિયાઈ માર્ગે અમેરિકા લઈ જવાશે. શિલ્પકાર રાજેશભાઇ સોમપુરા કહે છે કે વોશિંગ્ટનમાં આકાર પામી રહેલું આ દેરાસર શિલ્પ સ્થાપત્ય કળાનો ઉત્કૃષ્ટ નમૂનો બની રહેશે. જેમાં પાલિતાણાનાં જૈન ચૈત્યો, રાણકપુરના દેરાસરોની ભવ્યતા અને માઉન્ટ આબુના જગપ્રસિદ્ધ દેલવાડાની કલાત્મકતાની ઝાંખી જોવા મળશે.

વોશિંગ્ટનમાં ૭૦૦થી વધુ જૈન પરિવાર

અમેરિકાનાં વિવિધ રાજ્યોમાં મોટી સંખ્યામાં જૈન પરિવારો સ્થાયી થયેલા છે. આમાંથી માત્ર વોશિંગ્ટનમાં જ ૭૦૦થી વધુ જૈન પરિવારો વસતા હોવાનું મનાય છે. ૧૯૮૦માં ફક્ત ૨૦ કુટુંબોના પ્રારંભિક સભ્યપદ સાથે સ્થપાયેલી આ જૈન સોસાયટી આજે વટવૃક્ષ બનીને પાંગરી છે અને આજે તેની સાથે ૬૫૦થી વધુ પરિવારો જોડાયેલા છે. ન્યૂ જર્સીમાં આવેલું સિદ્ધાચલમ્ પણ પ્રસિદ્ધ જૈન તીર્થ મનાય છે. ૧૨૦ એકરની વિશાળ જગ્યામાં ફેલાયેલા આ તીર્થની સ્થાપના ૧૯૮૩માં થઈ હતી. અહીં દિગમ્બર અને શ્વેતામ્બરની પ્રતિમાજી એકસાથે બિરાજમાન છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter