શરાબી હાર્દિક પટેલનો એર કેનેડા ફ્લાઈટમાં હંગામો

Saturday 11th March 2023 09:27 EST
 

મેલબોર્નઃ વેસ્ટર્ન સિડનીના રૂટી હિલના 46 વર્ષીય ઓસ્ટ્રેલિયન ભારતીય રહેવાસી હાર્દિક પટેલે એર કેનેડા ફ્લાઈટમાં કરેલા ગેરવર્તનનો ગુનો કબૂલી લેતા ડાઉનિંગ સેન્ટર લોકલ કોર્ટે તેને 750 અમેરિકી ડોલરનો દંડ ફટકાર્યો હતો. હાર્દિક પટેલે વાનકુવરથી 15 કલાકની AC33 ફ્લાઈટમાં પ્રવાસ કર્યો હતો ત્યારે ભારે શરાબપાનના કારણે આક્રમક અને ખરાબ વર્તન કર્યું હતું. તેની સિડની એરપોર્ટ પર ધરપકડ કરાઈ હતી.

એર કેનેડાના કર્મચારીઓને હાર્દિક પટેલ પાસેથી બકાર્ડીની એક લીટરની બોટલ તેમજ આલ્કોહોલની તીવ્ર ગંધ ધરાવતા પ્રવાહી સાથેની પાણીની બોટલ મળી આવી હતી. સિવિલ એવિએશન એન્ડ સેફ્ટી ઓથોરિટીના નિયમો અનુસાર પેસેન્જર ફ્લાઈટ દરમિયાન કેબિન ક્રૂ દ્વારા અપાયેલા આલ્કોહોલનું જ સેવન કરી શકે છે. આથી, હાર્દિક પટેલ પાસેની બોટલ્સ જપ્ત કરી લેવાઈ હતી. આના કારણે, હાર્દિક પટેલ આક્રમક બની ગયો હતો.
સિડની એરપોર્ટ પર હાર્દિકની ધરપકડ કરનારા ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસ ઓફિસરોએ જણાવ્યું હતું કે તેનો ચહેરો ઉત્તેજિત અને લાલ દેખાતો હતો તેમજ આલ્કોહોલની તીવ્ર વાસ આવતી હતી. કોર્ટ સમક્ષ સ્ટેટમેન્ટમાં જણાવાયું હતું કે પટેલની સૂચના સમજવાની શક્તિ નબળી પડેલી હતી અને તેમની સિકલ ઉદાસીન-બેપરવા જણાતી હતી. એરક્રાફ્ટ્માં અંગત માલિકીનો આલ્કોહોલ પીવો અપરાધ હોવાનું જણાવાયું ત્યારે તેનો પ્રત્યાઘાતો મોટા ભાગે આક્રમક અને અસંબદ્ધ હતા. તેણે વારંવાર પોલીસ સાથે દલીલો કરી હતી, બૂમબરાડા પાડ્યા હતા અને અન્ય લોકો સાથે પણ આક્રમકતા દર્શાવી હતી. પોલીસે તેની અને તેની આસપાસના લોકોની સલામતી માટે તેને કસ્ટડીમાં લીધો હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter