સંઘપ્રદેશનો પત્રઃ દમણમાં દારૂ પીધા બાદ થયેલા ઝઘડામાં પિતરાઈ ભાઈની હત્યાના આરોપીને આજીવન કેદ

સંઘપ્રદેશનો પત્ર

Friday 22nd July 2022 05:10 EDT
 

દમણ જિલ્લા અને સેશન્સ જજની કોર્ટમાં સાડા ત્રણ વર્ષથી ચાલી રહેલા હત્યાકેસની સુનાવણી પૂર્ણ થતાં સેશન્સ કોર્ટના જજ પી.કે. શર્માએ ભૈયાલાલ સિંહ બંધનને દોષિત ઠેરવી આજીવન કેદ અને રૂ. પાંચ હજારના દંડની સજા ફટકારી છે. કેસની વિગત એવી છે કે દમણ પોલીસને ત્રીજી ઓકટોબર 2018ના રોજ ફોન કોલ પર વરકુંડ પોલિટેક્નિક કોલેજ પાસેના કીચડવાળા મેદાનમાં એક વ્યક્તિની લાશ પડી હોવાની માહિતી મળી હતી. પોલીસને ઘટનાસ્થળેથી ગ્રૂપ ફોટો મળ્યો હતો, જેના આધારે તપાસ શરૂ કરીને ડાભેલની બદર સુલજ લેબોરેટરીઝમાં કામ કરતા ભૈયાલાલ સિંહ બંધનની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન ભૈયાલાલે કબૂલ્યું હતું કે, મૃતક રામલખન સિંહ તેનો પિતરાઈ ભાઈ હતો, જે સુરતમાં નોકરી કરતો હતો. આરોપીએ રામલખનને દમણ ફરવા બોલાવ્યો હતો. રામલખન તેની સાથે એક સાથી આસન સિંહને પણ લાવ્યો હતો. ત્રણેય દમણના દરિયાકિનારે ફરવા ગયા હતા અને દારૂ પીધો હતો. દમણથી વાપી પરત ફરતી વેળા ઝઘડો થયો હતો અને ભૈયાલાલે રામલખનને માર માર્યો હતો. બાદમાં તેણે રામલખનનું ગળું દબાવીને હત્યા કરીને તેની લાશને કીચડવાળા મેદાનમાં ફેંકી દીધી હતી. ભૈયાલાલ ફૂટપાથ પર સૂતેલા આસન સિંહને જગાડીને ઘરે લઈ આવ્યો હતો. આસન સિંહે રામલખન વિશે પૂછતા પર તેણે કહ્યું કે, તે સુરત પાછો ગયો છે. આ કેસમાં 28 ડિસેમ્બર 2018ના રોજ કોર્ટમાં ચાર્જશીટ રજૂ થઇ હતી. જિલ્લા અને સેશન્સ જજ પી.કે. શર્માએ 14 જુલાઇએ કેસનો ચુકાદો આપતાં પુરાવાઓના આધારે ભૈયાલાલને દોષિત ઠરાવી ભારતીય દંડ સંહિતાની કલમ 302 હેઠળ આજીવન કેદ અને પાંચ હજાર રૂપિયાના દંડની સજા ફટકારી હતી.
વાસોના લાયન સફારી પાર્કમાં
ફરી સિંહની ત્રાડ સંભળાશે
કેન્દ્રશાસિત પ્રદેશ સેલવાસના વાસોના લાયન સફારી પાર્કમાં ફરી સિંહોની ત્રાડ સાંભળવા મળશે. વન વિભાગ-સેલવાસની માગણી લાંબા સમયથી સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીમાં અટવાતી હતી. જોકે પાર્ક માટે સિંહની જોડી મેળવવા પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ગુજરાતના મુખ્ય મંત્રી સમક્ષ રજૂઆત કહી. હવે રાજકોટ અને સક્કરબાગ ઝૂમાંથી નવી સિંહ બેલડી સેલવાસ પહોંચશે તેવા અહેવાલ છે. મુંબઇ અને ગીર વચ્ચે એશિયાટિક લાયનનું એકમાત્ર નિવાસસ્થાન એટલે કેન્દ્રશાસિત સેલવાસનો વાસોના લાયન સફારી પાર્ક હંમેશા પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. એક સમયે સફારીની આન-બાન-શાન ગણાતી સિંહણ ગિરજા વયમર્યાદા વટાવી ચૂકી છે. સિંહ-સિંહણનું આયુષ્ય 18 વર્ષ હોય છે, અને ગિરજા 11વર્ષ કરતાં મોટી છે. જોકે હવે અહીં ફરી વખત પ્રવાસીઓનો જમાવડો થાય તે દિવસો દૂર નથી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter