સોશિયલ મીડિયામાં ફ્રેન્ડશીપ કરીને કિંમતી ગિફ્ટના નામે ઠગાઇ કરતો નાઇજિરિયન દિલ્હીથી ઝડપાયો
સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રતા કેળવીને વિશ્વાસ સંપાદન કર્યા બાદ કરોડો રૂપિયાના મૂલ્યની ગિફ્ટ મોકલ્યાનું જણાવીને કસ્ટમ ડયુટીના નામે લાખો રૂપિયા ઓળવી જનાર નાઇજિરિયનને દમણ સાઇબર ક્રાઇમ પોલીસે દિલ્હીથી ઝડપી લીધો છે. આરોપીએ દમણની રહીશ યુવતી પાસેથી ગિફ્ટ આપવાના નામે 10 લાખ રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવીને ઠગાઇ આચરી હતી. પીડિતાએ દમણ પોલીસને ફરિયાદ આપી હતી કે, અંદાજે વર્ષ અગાઉ ફેસબુક ઉપર ફિલિપ નામક વ્યક્તિએ તેમને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. લાંબા સમય સુધી વાતચીત બાદ એક દિવસ ફિલિપે કહ્યું કે, તેણે એક મોંઘી ગિફ્ટ મોકલાવે છે જેની કિંમત રૂ. 1.39 કરોડ છે. જોકે, બીજા દિવસે ટ્રેપ મુજબ ફરિયાદી ઉપર કસ્ટમ અધિકારીના નામે ફોન આવે છે. જેમાં જણાવાય છે કે, ગિફ્ટની કિંમત વધુ હોવાથી તમારે કસ્ટમ ક્લિયન્સ માટે રૂપિયા મોકલવા પડશે. ગિફ્ટની લાલચમાં ફરિયાદીએ 10 લાખ રૂપિયા ભરી દીધા, પણ ગિફ્ટ ન મળી ત્યારે છેતરપિંડી થયાનું સમજાયું હતું. દમણ પોલીસની સાઇબર ક્રાઇમ ટીમે કેસ ઉકેલીને દિલ્હીથી નાઇજિરિયન નાગરિક ફિલિપ ઉર્ફે બેસિલ અડેકે ઓડિનિફ્પોની ધરપકડ કરી છે.
સંઘપ્રદેશના ઇતિહાસમાં પહેલી વખત દીવ પાલિકા પ્રમુખ પદે આદિવાસી મહિલા
તાજેતરમાં પૂર્ણ થયેલ દીવ મ્યુનિસિપલ કાઉન્સિલની ચૂંટણીમાં ભાજપે તમામ 13 બેઠક જીતી હતી. ભાજપના ઉમેદવારોમાંથી નગરપાલિકા પ્રમુખની શનિવારે પસંદગી પ્રક્રિયા પૂર્ણ થઈ છે. ચૂંટણી પ્રક્રિયા દીવ મ્યુનિસિપલ કાઉન્સિલના સભાખંડમાં યોજાઇ હતી, જેમાં પ્રમુખ તરીકે હેમલતાબેન સોલંકીની વરણી કરાઇ હતી. એસસી આદિવાસી સમાજનું પ્રતિનિધિત્વ કરતાં હેમલતાબેનની પ્રમુખ પદે વરણીથી સંઘપ્રદેશ દમણ અને દાનહના અનુસૂચિત સમુદાયમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. દાનહ અને દમણ - દીવના ઇતિહાસમાં પહેલી વખત અનુસૂચિત જાતિના ઉમેદવારને સામાન્ય બેઠક હોવા છતાં દીવ નગર પાલિકાના પ્રમુખ પદે ઉપર પસંદ કરાયા છે.