સુરતઃ તેલગણાથી પરિવાર સાથે સુરત આવીને વસેલા બ્રેઈનડેડ સિદ્ધમાં સૈલુ ગડુદાસના અંગોના દાનથી ચાર વ્યક્તિને નવજીવન મળ્યું છે. વયોવૃદ્ધ સુખભાઈ નરોત્તમભાઈ રાઠોડના અંગોના દાનથી પણ ચાર વ્યક્તિને નવજીવન મળ્યું છે. ૫૮ વર્ષીય સિદ્ધમાંની તબિયત ૫ જૂને બગડતાં તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તબીબોએ તેમને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. તબીબોએ ડોનેટ લાઈફ સંસ્થાનો સંપર્ક કરતા સંસ્થાના પ્રમુખ નિલેશભાઈ માંડેલવાળા તેમની ટીમ સાથે આવી પહોંચ્યા હતા અને પરિવારજનોને સમજાવતાં તેઓ વૃદ્ધનાં અંગદાન માટે રાજી થયાં હતાં.
ખેતરમાં ખેતમજૂરીનું કામ કરતા ૫૫ વર્ષીય સુખાભાઈ નરોત્તમભાઈ પટેલ પરિવારના અન્ય લોકો સાથે પાવાગઢના પ્રવાસે ગયા હતા. જ્યાં પર્વત ચઢતાં સુખાભાઈનો પગ લપસી જતાં તેમને માથાને ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. નજીકની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ શહેરની હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. જ્યાં તેમને ઉપસ્થિત ડોક્ટરોની ટીમે બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. બંને બ્રેઈનડેડના અંગદાનથી આઠ વ્યક્તિના જીવનમાં પ્રકાશ ફેલાયો છે. દાનમાં મળેલી ચાર કીડનીઓ પૈકી બે કીડની અમદાવાદના રહેવાસી હરેશભાઈ ગોવિંદભાઈ સાળુકે, ત્રીજી કીડની વડોદરાના રહેવાસી જયકૃષ્ણ પંડ્યા અને ચોથી વલસાડના રહેવાસી જીનલભાઈ દારાસિંગભાઈ પટેલમાં ટ્રાન્સપ્લાન્ટ કરાઈ હતી. બે લીવર પૈકી એક લીવર અમદાવાદના રહેવાસી પારસ જાની અને બીજું લીવર રાજકોટના રહેવાસી બકુલ વૈષ્ણવમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું.