કોરોના સામે લડવા મોરારિબાપુનું રૂ. ૧ કરોડનું દાનઃ લંડનના સચદે પરિવારનો સહયોગ

Wednesday 25th March 2020 08:18 EDT
 
 

તલગાજરડા: કોરોના વાઈરસ સામે લડવા માટે રામકથાકાર મોરારિબાપુએ રામપરામાં આયોજિત એક સમારોહમાં વડા પ્રધાન રાહત ફંડમાં રૂ. એક કરોડનું દાન આપવાની જાહેરાત તાજેતરમાં કરી હતી. બાપુએ જણાવ્યું હતું કે વ્યાસપીઠને સમર્પિત અને વર્ષોથી લંડનમાં રહેતા રમેશભાઈ સચદે પરિવાર દ્વારા આ રકમ વડા પ્રધાનના રાહત ફંડમાં અર્પણ કરવાનું તેમને કહેવામાં આવ્યું છે.
બાપુએ ઉમેર્યુ હતું કે, સચદે પરિવારે મને જણાવ્યું હતું કે રાષ્ટ્ર અને વિશ્વ પર આજે જ્યારે સંકટ છે ત્યારે સંતો-મહંતોના આશીર્વાદ, મુખ્ય આચાર્ય તેમજ આપની મદદ લઈને આ રકમ અર્પણ કરવામાં આવી છે. જોકે, હજુ રાષ્ટ્રીય રાહત ફંડ જાહેર થયું નથી, પરંતુ આપણું રાષ્ટ્ર પણ વૈશ્વિક આરોગ્ય માટે યોગદાન કરી રહ્યું છે ત્યારે રાષ્ટ્ર માટે જરૂર પડે તે માટે આદરણીય વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી પોતાને યોગ્ય લાગે ત્યાં વિવેકપૂર્ણ રીતે જરૂર પડે ત્યાં આ રકમનો ઉપયોગ કરે તેવો અનુરોધ કર્યો છે.
બાપુએ આજની મહામારીના સંદર્ભે સમાજને સંદેશ આપતાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રજોગ પ્રવચનમાં વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્ર પાસે બે વસ્તુની માગણી કરી છે. એક સંકલ્પ અને બીજો સંયમ. આપણે ભીડમાં ન જઈએ અને તેમણે જે પણ સૂચનાઓ આપી છે તેનું પાલન કરીએ. આ રાષ્ટ્ર અને જગતની આપત્તિ છે એમાં વ્યાસપીઠ અને સહુ સાધુ-સંતો-મહંતો અને મહાપુરુષો વિશેષ ચિંતિત છે. બાપુએ આ વૈશ્વિક વિપત્તિમાં સહુને સંયમપૂર્વક રાષ્ટ્રના હિતમાં સતર્કતાપૂર્વક વર્તવા અપીલ કરી હતી.
હનુમાન જયંતીના ઉત્સવો સ્થગિત
ઉલ્લેખનીય છે કે ચિત્રકૂટ ધામ તલગાજરડામાં મોરારિબાપુની ઉપસ્થિતિમાં છેલ્લા ૩૮ વર્ષોથી પ્રતિ વર્ષે હનુમંત જન્મોત્સવની ઉજવણી થાય છે આ ઉત્સવ પણ રદ કરાયાની ૧૮મી માર્ચે જાહેરાત કરાઈ હતી. આ મહોત્સવમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે. ભારતીય સાંસ્કૃતિક વારસાના જતન સંવર્ધનને કેન્દ્રમાં રાખી નૃત્ય અને સંગીતના કાર્યક્રમો યોજાય છે. ચિત્રકૂટના જયદેવભાઈ માંકડે જણાવ્યું કે, આ વર્ષે પાંચમીથી ૮ એપ્રિલ ૨૦૨૦ દરમિયાન આ કાર્યક્રમ નિર્ધારિત થયો હતો, પરંતુ કોરોના વાઈરસના ભયના કારણે ઉદ્ભવેલી સ્થિતિને લક્ષ્યમાં લેતાં જન આરોગ્યની કાળજી લેવાય અને સરકારની અપીલને પણ ધ્યાન પર લેતાં તકેદારીના પગલાં રૂપે ચિત્રકૂટધામ-તલગાજરડા દ્વારા આ વર્ષે હનુમાન જયંતીના કાર્યકમો સ્થિગત કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં પ્રતિ વર્ષે સમાજમાં વિવિધ ક્ષેત્રના વિદ્વજનોને એવોર્ડ અર્પણ કરવામાં આવે છે. આ એવોર્ડ અર્પણવિધિ પણ વર્તમાન પરિસ્થિતિ સામાન્ય બન્યા બાદ યોગ્ય સમયે યોજાશે. જયદેવભાઈએ જણાવ્યું કે મોરારિબાપુએ જણાવ્યું કે, આવી સંકટની પ્રેક્ટિકલ બની વ્યવહારુ અને ઉચિત નિર્ણયો લેવા જોઈએ.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter