ચામુંડા માતાના દર્શન કરવા માટે હવે 655 પગથિયા ચડવા નહીં પડેઃ રોપ-વે પ્રોજેક્ટ મંજૂર

Tuesday 26th July 2022 12:58 EDT
 
 

ચોટીલા: ઝાલાવાડના ચોટીલામાં આદ્યશક્તિ મા ચામુંડાના બેસણા છે. હજારો ભક્તો માતાના ચરણે શીશ ઝૂકવવા 655 પગથિયા ચડીને ડુંગરાની ટોચે પહોંચે છે. જોકે હવે ભક્તોને આ 655 પગથિયા ચડવા નહીં પડે. સરકારે ચોટીલા પ્રવાસન ધામમાં રોપ-વેના પ્રોજેકટને મંજૂરી આપી છે. આબુની કંપની આ રોપ-વેનું કામ કરનાર છે અને બધું કામ આયોજનપૂર્વક ચાલ્યું તો 31 ડિસેમ્બર 2023 સુધીમાં રોપ-વે તૈયાર થઇ જશે.
ઝાલાવાડના પાંચાળ પંથકના ચોટીલામાં મા ચામુંડાના જ્યાં બેસણા છે, ત્યાં રોપ-વે માટે ત્રણેક વર્ષ પહેલા મંજૂરી મળી હતી. જોકે આ પછી સમગ્ર આયોજન કાનૂની ગૂંચમાં અટવાયું હતું. રાજસ્થાનના આબુ રોડ ઉપર આવેલી માર્શ એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીને ચોટીલામાં રોપ-વે બનાવવાનું કામ મળ્યુ છે. ચોટીલા ડુંગર નાના પાળિયાદ ગામની હદમાં આવેલો છે. ચોટીલામાં રોપ-વેના કામ બાબતે સરકારે ગેજેટમાં આ માહિતી પ્રસિદ્ધ કરી છે. જે અનુસાર, 31 ડિસેમ્બર 2023 સુધીમાં રોપ-વેનું કામ પૂરું થઇ જશે. આ રોપ-વે બનતા યાત્રાધામ ચોટીલાના વિકાસને વેગ મળશે.
ચોટીલામાં તૈયાર થનાર રોપ-વેની મસાફરીનો ભાવ પણ અત્યારથી નક્કી કરી દેવાયો છે. જેમાં એકતરફી મુસાફરી માટે રૂ. 100 અને બન્ને તરફી મુસાફરી માટે ભાવ રૂ. 130 ચૂકવવા પડશે. આ ભાવ 2 વર્ષ માટે અમલમાં રહેશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter