છેલ્લા છ માસથી ૩ ગુજરાતી સહિત ૧૦ ભારતીયો ઇરાનમાં જહાજ પર ફસાયા છે

Friday 23rd April 2021 03:22 EDT
 

ભાવનગરઃ છેલ્લા છ માસથી એક કાર્ગો જહાજ ઈરાનમાં ફસાયેલું છે. તેમાં ભારતના ૧૦ ક્રૂ મેમ્બરો છે તે પૈકી ત્રણ ગુજરાતના છે, જેમાંના ધ્યેય હળવદિયા ભાવનગરના છે. કાર્ગો ઓનર અને એજન્ટ વચ્ચે સર્જાયેલા મતભેદોને કારણે જહાજને ઇરાનના બંદર પર અટકાવાયું છે. ક્રૂ મેમ્બરોને પરત ફરવા માટે જરૂરી સીડીસી, પાસપોર્ટ જેવા સત્તાવાર દસ્તાવેજો પણ એજન્ટ દ્વારા છીનવી લેવામાં આવ્યા છે.
મદદ માટે ધ્યેય હળવદીયાએ સોશિયલ મીડિયા મારફત જણાવ્યું હતું કે મેં ૮ માર્ચ ૨૦૨૦ના રોજ જહાજ એમ.વી. ઐઝદિહાર પર ફોર્થ એન્જિનિયર તરીકે ડ્યૂટી જોઈન કરી હતી.
કોન્ટ્રાક્ટ નવ મહિનાનો હતો, પરંતુ કાર્ગો લોડિંગ માટે નવમી ઓક્ટોબર ૨૦૨૦ના રોજ ઇરાનના બંદર અબ્બાસ ખાતે કાર્ગો લોડિંગ માટે અમે આવ્યા હતા.
શિપિંગ એજન્ટ અને શિપના માલિક વચ્ચે મતભેદો સર્જાયા બાદ જહાજના તમામ ક્રૂ મેમ્બર્સના સીડીસી, પાસપોર્ટ અને જહાજના દસ્તાવેજો છીનવી લીધા હતા. હવે અમે લોકો છેલ્લા છ મહિનાથી ઇરાનના બંદર અબ્બાસના ઇનર એન્કરેજ ખાતે ફસાયેલા છીએ. અમારે લોકોએ ઘરે જવું છે પણ પ્રત્યુત્તર આપવામાં આવતા નથી.
ધ્યેયે વધુમાં જણાવ્યું હતું કે, ઘરે જવા માટે અનેક પત્રો લખ્યા પરંતુ તેનો કોઈ જવાબ આવતો નથી. પીવાના પાણી અને જમવાનો જથ્થો હવે મર્યાદિત છે. ડીઝલ પણ ઓછું હોવાથી અમે માત્ર ચાર કલાક જ જનરેટર ચલાવી રસોઈ તથા મોબાઇલ ચાર્જ કરી લઈએ છીએ. શિપના માલિક દ્વારા અમોને માત્ર એક મહિનાનો પગાર આપવામાં આવ્યો છે. મધદરિયે અમારી હાલત ખરાબ બની રહી છે.
કેન્દ્ર સરકારને રજૂઆત
કેન્દ્રીય શિપિંગ પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે સંબંધિત મંત્રાલયને કાર્યવાહી કરવા માટેના આદેશ આપવામાં આવ્યા છે. ભારતના દૂતાવાસ વચ્ચે પણ વાતચીત ચાલુ થઈ ગઈ છે. સરકાર તમામ પ્રયાસો કરી રહી છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter