જયેશ પટેલ ગેંગ સામે પોલીસે બે ગાડી ભરી ૬૦ હજાર પાનાનું ચાર્જશીટ રજૂ કર્યું

Saturday 24th April 2021 04:12 EDT
 

જામનગરઃ શહેરના ભૂમાફિયા જયેશ પટેલ અને તેની ગેંગના શખ્સો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયા બાદ જામનગર પોલીસે કોર્ટમાં ૬૦ હજાર પાનાનું ચાર્જશીટ રજૂ કર્યું છે. જેમાં મુખ્ય આરોપી તરીકે જયેશ પટેલને દર્શાવાયો છે.
પોલીસે જયેશ પટેલ અને તેની ગેંગના ૧૨ સભ્યો સામે ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ બદલ ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો છે. આ ગેંગે શહેરના માલેતુજારોને ફસાવી ખંડણી ઉઘરાવવાનું નેટવર્ક ઉભું કરી કરોડો રૂપિયા ઉઘરાવી લીધા હતા.
આ પ્રકરણમાં જયેશ પટેલ હાલ યુકેમાં છે જ્યારે તેના બે સાગરીતો રમેશ અભંગી અને સુનિલ ચંગેલા હજુ ફરાર છે. જ્યારે આ જ પ્રકરણમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર અતુલ ભંડેરી, પૂર્વ પોલીસકર્મી વશરામ આહીર, બિલ્ડર નીલેશ ટોળિયા, વકીલ વી. એલ. માનસતા, પ્રફુલ પોપટ અને યશપાલ-જસપાલ જાડેજા બંધુ સહિતના ૧૪ શખ્સોને પકડીને જેલ ભેગા કરી દેવામાં આવ્યા છે.
જયેશ પટેલ ગેંગના વેપારીઓ, રાજકારણીઓ, પૂર્વ પોલીસકર્મી, બિલ્ડર સહિતના ૧૪ શખ્સો સામે ૬ મહિના પહેલા ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો હતો. જામનગરમાં જયેશ પટેલ આણિ મંડળી દ્વારા કિંમતી જમીન પચાવી પાડવાના કારસ્તાનોમાં ગેંગના સભ્યોમાં પણ વિવિધ કામગીરી વહેંચાયેલી રહેતી હોવાનો ખુલાસો થયો હતો. કિંમતી જમીન અંગે માહિતી મેળવીને એક-બીજાને પહોંચાડવી, એકમેકને આશ્રય આપવો અને વિવાદિત જમીનની સાચવણી કરવા સહિતના કામનો સમાવેશ થાય છે. જયેશ પટેલ ગેંગના મેમ્બરો કે જેની પોલીસે ધરપકડ કરી હતી તેઓ વ્યવસ્થિત રીતે કામ કરતા હતા. તેઓ મોકાની જમીનોના માલિકોની માહિતી ભેગી કરતા હતા તેમજ એક-બીજાને આશ્રય પણ આપતા હતા.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter