દિગ્ગજ ઓલરાઉન્ડર સલીમ દુરાનીનું નિધન

Friday 07th April 2023 15:44 EDT
 
 

જામનગરઃ પૂર્વ ક્રિકેટર સલીમ દુરાનીના નિધન સાથે ભારતીય ક્રિકેટના એક યુગનો અંત આવ્યો છે. ઓલરાઉન્ડ પરફોર્મન્સ દ્વારા ક્રિકેટ જગતમાં આગવી ઓળખ ઊભી કરનાર પૂર્વ ક્રિકેટર સલીમ દુરાનીનું રવિવારે નિધન થયું છે. 88 વર્ષના સલીમભાઇ કેટલાક સમયથી પથારીવશ હતા.
સલીમ દુરાની એક એવા વિસ્ફોટક અને ઝનૂની બેટ્સમેન હતા કે જેઓ પ્રેક્ષકોની માંગ પર સિક્સર ફટકારતા હતા. આ ઉપરાંત દુરાનીને તેના જાદુઈ સ્પેલ માટે પણ ઘણા યાદ કરવામાં આવે છે જેણે ભારતને 1971માં વેસ્ટ ઇન્ડિઝમાં પ્રથમ ટેસ્ટ વિજય મેળવવામાં મદદ કરી હતી. આ ટેસ્ટ ટેસ્ટમેચને સુનીલ ગાવસ્કરના ટેસ્ટ ડેબ્યૂ માટે પણ યાદ કરવામાં આવે છે.
તેમના ભત્રીજા શબ્બીરબાઇએ જણાવ્યું હતું કે, ‘સલીમકાકા ગયા મહિને ઘરે પડી ગયા હતા, અને પગમાં ફ્રેક્ચર થતાં ઓપરેશન કરાયું હતું. તેઓ લગભગ સાજા થઈ ગયા હતા પણ દસ દિવસ પહેલા બીમાર પડ્યા ત્યારથી તેઓ પથારીવશ હતા અને રવિવારે વહેલી સવારે 4 વાગ્યે નિધન થયું હતું.
અફઘાનિસ્તાનમાં જન્મેલા સલીમભાઇના પિતા જામનગરના રાજવી જામસાહેબની ક્રિકેટ ટીમમાંથી રમતા હતા અને પિતાના પગલે ચાલીને સલીમ દુરાનીએ પણ કિક્રેટની રમતમાં નામના મેળવી હતી. દુરાની ભારત તરફથી કુલ 29 મેચ રમ્યા હતા. આ દરમિયાન તેમણે 1202 રન કર્યા હતા. જેમાં એક સદી અને સાત અર્ધી સદીનો સમાવેશ થાય છે, આ ઉપરાંત તેમણે 75 વિક્ટ ઝડપી હતી. સલીમ દુરાની એવા પ્રથમ ભારતીય ક્રિકેટર હતા જેમને 1960માં અર્જુન એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.
દુરાની પોતે એક ઇન્સ્ટિટ્યૂટઃ મોદી
વડા પ્રધાન મોદીએ ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી જણાવ્યું હતું કે દુરાનીજી ક્રિકેટના દિગ્ગજ હતા. તેઓ પોતે જ એક ઇન્સ્ટિટ્યૂટ હતા. તેમણે ક્રિકેટની દુનિયામાં ભારતના ઉત્થાનમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમના નિધનના સમાચાર સાંભળી ખૂબ દુઃખ થયું. તેમના આત્માને શાંતિ મળે. દુરાનીજીને ગુજરાત સાથે ખૂબ જૂનો અને ગાઢ સંબંધ હતો. તેઓ સૌરાષ્ટ્ર અને ગુજરાત માટે રમી ચૂક્યા છે. તેમણે ગુજરાતને જ પોતાનું ઘર બનાવ્યું હતું.
પરવીન બાબી સાથે ફિલ્મમાં ચમક્યા હતા
ઇંગ્લેન્ડ સામે ઐતિહાસિક વિજયના એક દાયકા બાદ સલીમ દુરાની દુરાનીએ પોર્ટ ઓફ સ્પેનમાં વેસ્ટ ઇન્ડિઝ સામે ક્લાઇવ લોઇડ અને ગારફિલ્ડ સોબર્સને આઉટ કરીને ભારતને વિજય અપાવ્યો હતો. તેમણે 1973માં ફિલ્મ ચરીત્રમાં પરવીન બાબી સાથે અભિનય કરીને બોલિવૂડમાં પણ કામ કર્યું હતું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter