કલા અને સંસ્કૃતિના જતન-સંવર્ધન માટે જાણીતી ભાવનગર નગરી અને પ્રશ્નોરા નાગર જ્ઞાતિએ એક એકથી ચડિયાતા કલાકારો આપ્યા છે. આ બંનેના કલાના વારસાનો સમન્વય સમાન ‘વોઇસ ઓફ મુકેશ’ ડો. કમલેશ આવસત્થીનું 28 માર્ચે રાત્રે અમદાવાદમાં નિધન થયું છે. પાર્શ્વગાયક ડો. કમલેશ આવસત્થીનો જન્મ 1945માં સાવરકુંડલામાં થયો હતો. ભાવનગરમાં સપ્તકલાના સંગીતના સાધક બન્યા અને ગાયકી ક્ષેત્રે લોકપ્રિયતા મેળવવાનો આરંભ કર્યો. ગત નવેમ્બરમાં અમદાવાદમાં પુત્ર ભૂષણભાઇના ઘરે હતા ત્યારે 11 નવેમ્બરે તેઓને બ્રેઈન હેમરેજ થયા પછી અમદાવાદના ઘરે જ આઈસીયુમાં રખાયા હતા. લાંબો સમય અચેતન અવસ્થામાં રહ્યા બાદ 79 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા છે.
ફિલ્મ સંગીતમાં એક કાર્યક્રમમાં રાજ કપૂરે કમલેશભાઇને સ્વ. મુકેશના અવાજમાં ગાતાં સાંભળ્યા હતા અને તેઓ બોલી ઉઠ્યા હતા કે ‘મુજે મેરા મુકેશ ફિર સે મિલ ગયા...’ આ પછી કમલેશભાઇએ રાજ કપૂરની ફિલ્મ ‘ગોપીચંદ જાસૂસ’ માટે ગીતો ગાયા હતાં. આ ઉપરાંત આઠેક જેટલી હિન્દી ફિલ્મો અને ડઝન જેટલી ગુજરાતી ફિલ્મોમાં પાર્શ્વગાયક તરીકે કંઠ આપ્યો છે. ખાસ તો રાજ કપૂરના જીવનની અંતિમ હિન્દી ફિલ્મ ‘ગોપીચંદ જાસુસ’માં કમલેશભાઇએ સ્વર આપ્યો ત્યારે રાજ કપૂરે મુકેશ પાછો મળી ગયાનું વિધાન કર્યું હતું. મુકેશજીના અવસાન બાદ દર વર્ષે તેઓ શ્રદ્ધાંજલિના સંગીતમય કાર્યક્રમ કરતા હતા. કમલેશભાઇએ હિન્દી ફિલ્મ ‘નસીબ’માં ગાયેલા ‘જિંદગી ઇમ્તિહાન લેતી હૈ...’, ‘પ્યાસા સાવન’ ફિલ્મમાં ગાયેલું ‘તેરા સાથ હે તો મુઝે ક્યા કમી હે...’ આજે પણ હિન્દી ફિલ્મ ચાહકોના હોઠો પર છે.