‘રામાયણ’માં સુવર્ણ શાહીથી ચોપાઇનું આલેખનઃ હીરા-માણેક અને પન્નાથી ગ્રંથની સજાવટ

Wednesday 01st May 2024 09:11 EDT
 
 

સુરતઃ શહેરના ભેસ્તાન વિસ્તારમાં રહેતા પ્રભુ શ્રીરામના ભક્તના ઘરે સોનું, હીરા, પન્ના અને માણેક જડેલો દુર્લભ ‘રામાયણ’ ગ્રંથ સચવાયેલો છે. 530 પાનાંની આ ‘રામાયણ’માં 222 તોલા સોનાની શાહીથી ચોપાઈ લખાઈ છે. પુસ્તકમાં 10 કિલો ચાંદી, 4000 હીરાની સાથે માણેક અને પન્ના જેવાં મૂલ્યવાન રત્નોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. તેના કવરપેજ પાંચ-પાંચ કિલો ચાંદીમાંથી તૈયાર કરવામાં આવ્યાં છે. દર રામનવમીએ ભક્તોને આ મૂલ્યવાન ‘રામાયણ’નાં દર્શન કરાવાય છે, અને બાકીના દિવસોમાં તેને બેન્કના લોકરમાં રાખવામાં આવે છે.
43 વર્ષ પહેલાં લખાયેલા આ સુવર્ણ ‘રામાયણ’ ગ્રંથ અંગે રાજેશભાઈ રમેશભાઈ ભક્તાએ જણાવ્યું હતું કે 1981માં તેમના દાદા અને પ્રભુ શ્રીરામના પરમ ભક્ત રામભાઈ ગોકર્ણભાઈ ભક્તાએ લખી હતી. રામભાઈએ વિશેષ પુષ્ય નક્ષત્રમાં ગ્રંથ લખ્યો હતો અને આ ‘રામાયણ’ લખવામાં કુલ 9 મહિના અને 9 કલાકનો સમય થયો હતો. આ લખવામાં 12 લોકોએ સહકાર આપ્યો હતો.
રાજેશભાઇ કહે છે કે ચોપાઈ થકી 530 પાનાંમાં ભગવાન રામનું જીવનચરિત્ર દર્શાવાયું છે. આ ‘રામાયણ’માં 5 કરોડ વાર શ્રીરામ નામ લખવામાં આવ્યું છે. સાથે જ અક્ષરોને ચમકાવવા માટે હીરાનો પ્રયોગ પણ કરાયો છે. વાસ્તવમાં ભગવાન શ્રીરામનો જીવનકાળ સુવર્ણકાળ જેવો હોવાથી રામભાઈએ સોનામાંથી બનેલી શાહીનો ઉપયોગ કર્યો હતો. રાજેશભાઇએ કહ્યું હતું કે રામનવમી પર્વે ભક્તો દર્શન કરી શકે છે. ભેસ્તાન વિસ્તારમાં આવેલા રામકુંજ નિવાસસ્થાને સવારથી સાંજ સુધી ભક્તોને આ સુવર્ણ ‘રામાયણ’નાં દર્શન કરાવવામાં આવે છે.
રાજેશભાઈએ જણાવ્યું કે રામભાઈએ ‘રામાયણ’ લખવા માટે જર્મનીથી કાગળ મગાવ્યા હતા. જર્મનીના આ કાગળની વિશેષતા એ હતી કે તે સફેદ હોવા છતાં હાથ અડાડવાથી ડાઘ લાગતા નથી. પાણીથી ધોવા છતાં પાનાંને કોઈ પણ જાતની અસર થતી નથી. વર્ષમાં એક જ વાર તેને દર્શન માટે ‘રામાયણ’ને લોકરમાંથી બહાર લવાય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter