અદાણીનું શ્રીલંકામાં રૂ. ૫૧૯૦ કરોડનું મૂડીરોકાણઃ કોલંબોમાં પોર્ટનું નિર્માણ કરશે

Wednesday 06th October 2021 07:32 EDT
 
 

નવી દિલ્હી: અદાણી ગ્રૂપની કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન (એપીએસઇઝેડ)એ શ્રીલંકામાં મહત્ત્વના બંદરને વિકસિત કરવાના અને સંચાલન કરવાના અધિકારો મેળવ્યા છે. અદાણી ગ્રૂપે શ્રીલંકાની સરકારી માલિકીની કંપની શ્રીલંકા પોર્ટસ ઓથોરિટી (એસએલપીએ) સાથે વેસ્ટર્ન કન્ટેનર ટર્મિનલને વિકસિત કરવા માટે રૂ. ૫૧૯૦ કરોડનો કરાર કર્યો છે.
આ ટર્મિનલ કોલંબોમાં આવેલું છે. આ સાથે જ શ્રીલંકામાં કોઈ બંદરને વિકસિત કરવાના અધિકારો મેળવનાર એપીએસઇઝેડ પ્રથમ ભારતીય કંપની બની ગઈ છે. શ્રીલંકાની દરિયાઈ સીમામાં ચીનનું વર્ચસ્વ વધી રહ્યું છે ત્યારે કોલંબો બંદરના સંચાલનના અધિકારો અદાણી ગ્રૂપને મળવા એ વ્યૂહાત્મક દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્ત્વની બાબત માનવામાં આવે છે. સૂચિત વેસ્ટર્ન કન્ટેનર ટર્મિનલમાં અદાણી ગ્રૂપનો હિસ્સો ૫૧ ટકા રહેશે.
એપીએસઇઝેડ સ્થાનિક કંપની જ્હોન કિલ્સ હોલ્ડિંગ્સ એન્ડ એસએલપીએની સાથે મળીને ટર્મિનલને બિલ્ટ-ઓપરેટ-ટ્રાન્સફરના આધારે તૈયાર કરશે. કોલંબોસ્થિત આ બંદર ભારતીય કન્ટેનરો તથા મેઇનલાઇન શીપ ઓપરેટરો માટે મહત્ત્વનું માનવામાં આવે છે.
ટ્રાન્સપોર્ટેશન માટે આ બંદર તેમની પસંદગીનું છે. ઉલ્લેખનીય છે કે ચીને પોતાની બેલ્ટ એન્ડ રોડ નીતિ હેઠળ શ્રીલંકામાં વિવિધ માળખાકીય સુવિધાઓ વિકસાવવા માટે મહત્ત્વનું રોકાણ કર્યું છે. ચીને શ્રીલંકામાં વિવિધ યોજનાઓમાં કુલ ૮ બિલિયન ડોલરનું રોકાણ કર્યું છે.
૨૦૧૭માં શ્રીલંકાએ કોલંબોનું હંબનટોટા બંદર ચીનને સોંપ્યું હતું. ઉલ્લેખનીય છે કે એપીએસઇઝેડ ભારતની સૌથી મોટી પોર્ટ ડેવલપર કંપની છે. ભારતની કુલ પોર્ટ ક્ષમતાના ૨૪ ટકા હિસ્સો એપીએસઇઝેડ હસ્તક છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter