પાક. જર્નાલિસ્ટની હત્યા મુદ્દે કેન્યા પોલીસ સામે ટ્રાયલ

Tuesday 07th November 2023 16:05 EST
 

નાઈરોબીઃ એક વર્ષ અગાઉ પાકિસ્તાની જર્નાલિસ્ટ અર્શાદ શરીફની હત્યા બાબતે કેન્યાના ઉચ્ચ પોલીસ દળ – જનરલ સર્વિસ યુનિટ વિરુદ્ધ ખટલો શરૂ કરાયો હતો. શરીફની પત્ની જાવેરીઆ સિદ્દિક અને કેન્યાના બે જર્નાલિસ્ટ યુનિયનોએ સંયુક્તપણે ફરિયાદ કરી હતી. 2022ની 23 ઓક્ટોબરે જર્નાલિસ્ટ અર્શાદ શરીફ અને અન્ય પાકિસ્તાની પુરુષ કારમાં રોડ બ્લોકને તોડી ઝડપી ગતિએ જઈ રહ્યા હતા ત્યારે ચેકપોઈન્ટ પરના પોલીસ દળે ગોળાબાર કર્યો હતો. નાઈરોબી પોલીસે બાળકના અપહરણ કેસમાં આવી જ કારની તલાશ થઈ રહી હતી તેમ જણાવી ખોટી ઓળખના કારણે ગોળીબાર બદલ ખેદ વ્યક્ત કર્યો હતો.

પાકિસ્તાની રાષ્ટ્રીય સંસ્થાઓ સામે દોષારોપણો કર્યા પછી ઘરઆંગણે ધરપકડને ડાળવા 50 વર્ષીય પાકિસ્તાની જર્નાલિસ્ટ અર્શાદ શરીફે દેશ છોડી દીધો હતો. તે થોડો સમય દુબઈ અને યુકે રહ્યા પછી કેન્યામાં રહેવા આવ્યો હતો. પાકિસ્તાની ઈન્વેસ્ટીગેર્સની ટીમે પાછળથી જણાવ્યું હતું કે શરીફની હત્યા સુનિયોજિત ષડયંત્ર હતું. ઈસ્લામાબાદમાં પોલીસે કેન્યાસ્થિત બે પાકિસ્તાની બિઝનેસમેન સામે હત્યામાં સંકળાયેલા હોવાના આરોપ લગાવ્યા છે.

દક્ષિણ આફ્રિકામાં ANCને સમર્થનમાં નોંધપાત્ર ઘટાડો

કેપટાઉનઃ દક્ષિણ આફ્રિકામાં 1994માં રંગભેદના અંત સાથે સત્તા પર આવેલી આફ્રિકન નેશનલ કોંગ્રેસ (ANC)ને લોકસમર્થનમાં ભારે ઘટાડો થયો છે. સામાન્ય ચૂંટણીઓ મે અને ઓગસ્ટ 2024ની વચ્ચે યોજાવાની છે ત્યારે એક પોલ અનુસાર માત્ર 45 ટકા લોકો સમર્થન આપી રહ્યા છે અને આગામી ચૂંટણીમાં તે બહુમતી ગુમાવી શકે છે. ભ્રષ્ટાચાર, સગાંવાદ અને નબળાં આર્થિક રેકોર્ડથી ANCની છબી ખરડાઈ છે ત્યારે જમણેરી વિપક્ષ ડેમોક્રેટિક એલાયન્સની તરફેણ વધી છે. સોશિયલ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા માર્ચ મહિનામાં પોલ યોજાયો ત્યારે 52 ટકા મતદારોએ ANC ની તરફેણ કરી હતી જે હવે ઓક્ટોબરમાં ઘટીને 45 ટકા થઈ છે. દક્ષિણ આફ્રિકામાં સંસદની ચૂંટણીમાં બહુમત ધરાવતી પાર્ટી પોતાના પ્રમુખને નિયુક્ત કરે છે. રંગભેદ સામેની લડાઈમાં સંઘર્ષનું પ્રતીક બનેલા નેલ્સન મન્ડેલાએ પ્રથમ લોકશાહી ચૂંટણીમાં પ્રમુખપદ હાંસલ કર્યું હતું.

કેન્યા આફ્રિકન વિઝિટર્સ માટે વિઝા રદ કરશે

નાઈરોબીઃ કેન્યાના પ્રમુખ વિલિયમ રુટોએ આ વર્ષ 2023ના અંત સુધીમાં તમામ આફ્રિકન મુલાકાતીઓ માટે કેન્યાના વિઝા રદ કરવાની જાહેરાત કરી છે. ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં રુટોએ આફ્રિકન દેશો વચ્ચે વિઝા નિયંત્રણો નાબૂદ કરવા પર ભાર મૂકતા કહ્યું હતું કે આવા નિયંત્રણો ફાયદાકારક નથી. આફ્રિકન યુનિયન (AU) લાંબા સમયથી આફ્રિકા ખંડમાં વિઝામુક્ત હેરફેરનું લક્ષ્ય ધરાવે છે. દેશો વચ્ચે દ્વિપક્ષી કરાર અને પ્રાદેશિક સમજૂતીઓ હોવાં છતાં, 2022 સુધીમાં માત્ર સેશેલ્સ, ગામ્બીઆ અને બેનિન દ્વારા જ તમામ આફ્રિકી નાગરિકોને વિઝા વિના પ્રવેશની છૂટ આપી છે. આફ્રિકાના વિઝા ઓપનનેસ ઈન્ડેક્સમાં 54 આફ્રિકન દેશોમાં કેન્યા 31મો ક્રમ ધરાવે છે.

યુગાન્ડામાં પેટ્રોલિયમની આયાત બહેરિનની કંપની જ કરશે

કમ્પાલાઃ યુગાન્ડાએ દેશમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ્સના એક માત્ર આયાતકાર અને માર્કેટીઅર તરીકે બહેરિનની કંપની વિટોલને વિશેષ અધિકાર આપ્યા છે. દેશના એનર્જી મિનિસ્ટરે બહેરિનની કંપનીને અધિકારો આપતું બિલ પાર્લામેન્ટ સમક્ષ રજૂ કર્યું હતું. યુગાન્ડાની કેબિનેટે પેટ્રોલિયમ કાયદામાં ફેરફારોને મંજૂરી આપી દીધી છે. પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની આયાત અને માર્કેટિંગ ઉદાર હોવા સાથે ઘણી ખાનગી કંપનીઓ આ બિઝનેસમાં જોડાયેલી છે અને મુખ્યત્વે પડોશી કેન્યામાંથી પ્રોડક્ટ્સ મેળવાય છે. પરંતુ, ચારે તરફ જમીનથી ઘેરાયેલા યુગાન્ડામાં પેટ્રોલિયમ સપ્લાય ખોરવાયેલો રહે છે અને ઊંચી કિંમતો ચૂકવવી પડે છે. વિટોલ કંપની યુગાન્ડા નેશનલ ઓઈલ કંપનીને ઓઈલ ઉત્પાદનોનો પુરવઠો આપશે અને યુગાન્ડાની કંપની પેટ્રોલ સ્ટેશન ઓપરેટર્સને તેનું વેચાણ કરશે.

બ્રિટિશ પતિ અને સાઉથ આફ્રિકન પત્નીના હત્યારા ઠાર

કમ્પાલાઃ પશ્ચિમ યુગાન્ડામાં ક્વીન એલિઝાબેથ નેશનલ પાર્કમાં બ્રિટિશર ડેવિડ બાર્લો અને તેમની સાઉથ આફ્રિકન પત્ની સેલીઆ એમેરિટા ગેયેર અને તેમના ટુર ગાઈડ એરિક અલયાઈની હત્યા કરનારા હુમલાખોરો સહિત એલાઈડ ડેમોક્રેટિક ફોર્સીસ (ADF)ના ઓછામાં ઓછાં 11 આતંકવાદીને ખતમ કરી દેવાયા હોવાનું યુગાન્ડા આર્મીએ જાહેર કર્યું હતું. આ ઉપરાંત, બે ટુરિસ્ટની હત્યા બદલ ADFના મિલિશિઆ કમાન્ડર અબ્દુલ રશિદ ક્યોટોની ધરપકડ પણ કરાઈ હતી. યુગાન્ડા પીપલ્સ ડિફેન્સ ફોર્સીસ (UPDF)ના પ્રવક્તા લેફ. કર્નલ ડીઓ અકિકીએ જણાવ્યું હતું કે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોની સરહદ નજીક લેક એડવર્ડ ખાતે મંગળવાર 31 ઓક્ટોબરની રાત્રે હુમલાખોરોને ઠાર કરાયા હતા. હનીમૂન પર ગયેલા બાર્લો અને ગેયેરને કમાન્ડર આતંકવાદીઓ દ્વારા 17 ઓક્ટોબરના હુમલામાં મારી નખાયા હતા. ADFના મિલિશિઆ કમાન્ડર ક્યોટો સહિતના આતંકવાદીઓએ જૂન મહિનાની 17તારીખે મ્પોન્ડવેની એક શાળા પર કરેલા હુમલામાં વિદ્યાર્થીઓ સહિત 42 લોકોને મારી નાખ્યા હતા.

ઝામ્બીઆના પૂર્વ પ્રમુખના નિવૃત્તિલાભો રદ

લુસાકાઃ ઝામ્બીઆની સરકારે સક્રિય રાજકારણમાં પાછા ફરવાની જાહેરાત કરનારા પૂર્વ પ્રમુખ એડગર લુન્ગુના નિવૃત્તિલાભો અને વિશેષાધિકારો રદ કરવાની જાહેરાત કરી છે. લુન્ગુએ 6 વર્ષના સાસન પછી 2021માં હાકાઈન્ડે હિચિલેમા સામે પ્રમુખપદ ગુમાવ્યા પછી નિવૃત્તિની જાહેરાત કરી હતી. સક્રિય રાજકારણમાં પાછા ફરવાના લુન્ગુના નિર્ણય સાથે 2026ની પ્રમુખપદની ચૂંટણીનો તખતો ગરમ થયો છે. સરકારે પણ તત્કાળ પ્રત્યાઘાત આપી તેમના નિવૃત્તિલાભ અને સુરક્ષા, તેમજ કાયદાકીય ઈમ્યુનિટી સહિતના ખાસ અધિકારો પાછા ખેંચી લીધા છે. સરકારી પ્રવક્તાએ જણાવ્યું હતું કે રાજકારણમાં પુનઃ પ્રવેશતા પૂર્વ પ્રમુખો આ લાભ મેળવી શકે નહિ તેવા કાયદા અનુસાર આ પગલું લેવાયું છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter