મુંબઇઃ ટાટા ગ્રૂપની કંપની ટાટા મોટર્સ ઇટાલિયન ટ્રક મેન્યુફેક્ચરિંગ કંપની આઈવેકોના કોમર્શિયલ ટ્રક બિઝનેસને હસ્તગત કરી શકે છે. આઈવેકો ગ્રૂપ તેના ડિફેન્સ અને કોમર્શિયલ ટ્રક મેન્યુફેક્ચરિંગ બિઝનેસને વેચવા માટે વાતચીત કરી રહ્યું છે. બ્લૂમબર્ગ અનુસાર, કોમર્શિયલ ટ્રક બિઝનેસ માટે તાતા મોટર્સ સાથે વાતચીત ચાલી રહી છે. આ બિઝનેસ ઇટાલીના એનેલી પરિવાર સંભાળી રહ્યું હતું. ગ્રૂપમાં તેનો સૌથી મોટો હિસ્સો છે. ટાટા મોટર્સ તેને રૂ. 40 હજાર કરોડમાં ખરીદી શકે છે. અગાઉ, ટાટા સ્ટીલે 2007માં સ્ટીલ કંપની કોરસને 12 બિલિયન ડોલરમાં ખરીદી હતી.
• આ ટાટા ગ્રૂપના વૈશ્વિક વ્યાપાર વિસ્તરણનો બીજો તબક્કો હશે. તેમાં 5.5 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવાની યોજના છે. • પ્રથમ તબક્કો 2000માં યુકે ચા બ્રાન્ડ ટેટલીના 407 મિલિયન ડોલરમાં સંપાદન સાથે શરૂ થયો હતો. હાલમાં ટાટા મોટર્સ કોમર્શિયલ વાહન બજારમાં મજબૂત વૈશ્વિક ખેલાડી છે. તે એશિયા, આફ્રિકા, લેટિન અમેરિકન દેશોમાં છે. આઈવેકોના સંપાદનથી તેને યુરોપિયન દેશો સુધી સીધી પહોંચ મળશે. • 1975માં રચાયેલી આઈવેકો એક મલ્ટીનેશનલ કંપની છે. તેનું મુખ્ય મથક તુરિનમાં છે. તે ટ્રક, બસો, સંરક્ષણ વાહનોનું ઉત્પાદન કરે છે.
જિયો રૂ. 52 હજાર કરોડના આઈપીઓની તૈયારીમાં
દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ લિમિટેડ તેના ટેલિકોમ બિઝનેસ જિયો ઇન્ફોકોમને શેરબજારમાં લિસ્ટ કરવાની તૈયારી કરી રહી છે. આ માટે કંપની 52 હજાર કરોડ રૂપિયાનો દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ લાવવા જઈ રહી છે. બ્લૂમબર્ગના જણાવ્યા અનુસાર, રિલાયન્સે આ માટે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) સાથે વાતચીત શરૂ કરી છે. આ આઈપીઓ આવતા વર્ષના શરૂઆતના મહિનામાં લોન્ચ થઈ શકે છે.