મોસ્કો, નવી દિલ્હીઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કર્યો હતો. ફોન કોલ પર પુતિને વડાપ્રધાન મોદીને અલાસ્કામાં ટ્રમ્પ સાથે યોજાયેલી બેઠક અંગે માહિતગાર કર્યા હતા. વડાપ્રધાન મોદીએ એક્સ પર કરેલી પોસ્ટમાં પુતિનની સાથે થયેલી વાતચીતની જાણકારી આપી છે.
પીએમ મોદીએ એક્સ પર લખ્યું કે, ‘મારા મિત્ર રાષ્ટ્રપતિ પુતિનનો ફોન કોલ અને અલાસ્કામાં રાષ્ટ્રપતિ ટ્રમ્પની સાથેની તેમની તાજેતરની મુલાકાતની વિગતો આપવા માટે આભાર. ભારતે યુક્રેન વિવાદના શાંતિપૂર્ણ સમાધાનનું સતત આહ્વાન કર્યું છે. આ સંબંધમાં તમામ પ્રયાસોનું ભારત સમર્થન કરે છે. હું આગામી દિવસોમાં અમારી નિરંતર આપલેની આશા રાખું છું.’
ઉલ્લેખનીય છે કે, રશિયાના રાષ્ટ્રપતિ પુતિને 15મી ઓગષ્ટે અલાસ્કામાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં યુક્રેનમાં યુદ્ધવિરામને લઈને ચર્ચા કરી હતી. જોકે, એમાં રશિયા-યુક્રેનની વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં શસ્ત્રવિરામ લાગુ કરવા પર સહમતી થઈ શકી નથી.
રશિયાનો સ્પષ્ટ સંકેતઃ અમે ભારતની સાથે
આ બેઠક એવા સમયે યોજાઈ હતી, જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારત પર રશિયા પાસેથી તેલ ખરીદવા પર 50 ટકા ટેરિફ મુક્યો છે. અમેરિકી ટેરિફ સામે ભારતે આકરા શબ્દોમાં વિરોધ નોંધાવ્યો હતો. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે અમે અમારા રાષ્ટ્રીય હિતોની સુરક્ષા માટે શક્ય પગલાં ભરીશું.
રશિયાના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન મોદીની વચ્ચે થયેલી વાતચીતથી સ્પષ્ટ છે કે અમેરિકાના ટેરિફની સામે રશિયા ભારતની સાથે ઊભું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ કેટલીયે વાર કહી ચુક્યા છે કે તેમના તરફથી ભારત પર રશિયા પાસેથી તેલ ખરીદવા માટે લગાવેલા 25 ટકા વધારાના ટેરિફની અસર જોવા મળી છે અને પુતિન આ કારણોસર તેમની સાથે બેઠક કરવા તૈયાર થયા છે. ટ્રમ્પ સરકારના નાણામંત્રી સ્કોટ બેસેન્ટ ચેતવણી આપી ચુક્યા છે કે જો પુતિન અને ટ્રમ્પની વાતચીતમાંથી કોઈ પરિણામ નીકળતું નથી તો ભારતે વધુ ટેરિફ માટે તૈયાર રહેવું જોઈએ.