બિશ્કેકમાં શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશનની બેઠકઃ મોદી-ઇમરાન નહીં મળે

Wednesday 12th June 2019 07:07 EDT
 
 

નવી દિલ્હી: વિદેશ મંત્રાલયે છઠ્ઠી જૂને સ્પષ્ટતા કરી હતી કે કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઇઝેશનની બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાની વડા પ્રધાન ઇમરાન ખાન વચ્ચે બેઠકની કોઈ યોજના નથી. જોકે મોદી અને ચીની પ્રમુખ શી જિનપિંગની મુલાકાત પર પણ વિશ્વની નજર છે. પાકિસ્તાની વિદેશ સચિવ શાહ મહમૂજ ફૈઝલની ભારતની અંગત મુલાકાત પછી બન્ને દેશના વડા પ્રધાન વચ્ચે બેઠક થશે એવી અટકળો સર્જાઈ હતી. મોદી ઈમરાનને નહીં મળેની અટકળો વચ્ચે ઇમરાને મોદીને પત્ર લખીને મંત્રણા માટે મનામણાં કર્યાંના પણ અહેવાલ છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે છઠ્ઠીએ કહ્યું હતું કે એસસીઓ સંમેલનમાં ભારત-પાકિસ્તાનના વડા પ્રધાન વચ્ચે બેઠકની કોઈ જ યોજના નથી. ૧૩-૧૪ જૂને બિશ્કેકમાં થનારા આ સંમેલનમાં મોદી અને ઇમરાન બન્ને ભાગ લેશે. ફૈઝલની ભારત મુલાકાત અંગેના સવાલ મુદ્દે રવિશકુમારે કહ્યું હતું કે તેઓ ભારતના અંગત પ્રવાસે આવ્યા હતા. તે સત્તાવાર મુલાકાત ન હતી. એપ્રિલમાં પાકિસ્તાની વિદેશ સચિવ બનતા પહેલાં ફૈઝલ ભારતમાં પાકિસ્તાનના હાઇ કમિશનર હતા.
મોદી - જિનપિંગની મુલાકાત થશે
જિનપિંગ શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશનની બેઠકમાં હાજરી આપવા જશે જ્યાં તેઓ મોદીને મળશે જે લોકસભાની ચૂંટણીમાં ભાજપને મળેલી સફળતા પછીની પ્રથમ મુલાકાત હશે. જિનપિંગ ૧૨થી ૧૬ જૂન વચ્ચે કિર્ગિસ્તાન અને તઝાકિસ્તાનની સત્તાવાર મુલાકાતે જશે, એમ વિદેશ મંત્રાલયના પ્રવકતા લુ કાંગે કહ્યું હતું.એસસીઓ ચીનના નેતૃત્વ હેઠળની આઠ સભ્યોની આર્થિક અને સુરક્ષાની સમિતિ છે જેમાં ભારત અને પાકિસ્તાનને ૨૦૧૭માં પ્રવેશ અપાયો હતો. ભારતના ચીન ખાતેના રાજદૂત વિક્રમ મિસરીએ તાજેતરમાં કહ્યું હતું કે એસસીઓ શિખર મંત્રણાની સાથે સાથે બંને નેતાઓ મળશે.
બંને દેશો વચ્ચેના સંબંધોમાં એક માઈલસ્ટોન સમાન બનેલા ગયા વર્ષની વુહાનની બંને નેતાઓ વચ્ચેની સૌ પ્રથમ બેઠકને યાદ કરતાં મિસરીએ કહ્યું હતું કે અત્રે યાદ અપાવવું જરૂરી છે કે ગયા વર્ષે અમારા નેતાઓ વિવિધ મંત્રણાઓની સાથે સાથે ચાર વખત મળ્યા હતા. તેઓ ફરીથી બિશ્કેકમાં એસસીઓ મંત્રણાની સાથે સાથે મળશે, એમ તેમણે ઉમેર્યું હતું.
ઇમરાન ખાને મોદીને પત્ર લખ્યોઃ મંત્રણા માટે મનામણાં
પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે અપનાવેલા આકરા વલણના કારણે પાકિસ્તાની સત્તાધીશો હવે નરમાશથી વાત કરવા લાગ્યા છે. મોદી બિશ્કેકમાં ઈમરાનને નહીં મળે એવા નિવેદન પછી પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ફરી એકવાર ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને બંને દેશ વચ્ચે પ્રવર્તતા તમામ વિવાદનો ઉકેલ લાવવા મંત્રણા પ્રક્રિયા શરૂ કરવાની અપીલ કરી હતી.
પાકિસ્તાનના ધ ન્યૂઝ અખબારના અહેવાલ અનુસાર પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને એપ્રિલ-મેમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં વિજય હાંસલ કરી ફરી વડા પ્રધાન બનવા માટે નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા છે. અગાઉ ઇમરાન ખાને ૨૩ મેના રોજ ટ્વિટ કરીને વડા પ્રધાન મોદીને લોકસભાની ચૂંટણીમાં મળેલા વિજય માટે અભિનંદનનો સંદેશો પાઠવ્યો હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં ઇમરાન ખાને જણાવ્યું છે કે, પાકિસ્તાન કાશ્મીર સહિત બંને દેશ વચ્ચે પ્રવર્તતા તમામ વિવાદનો ઉકેલ લાવવા માગે છે. ઇમરાને જણાવ્યું છે કે મંત્રણા પ્રક્રિયા દ્વારા વિવાદોના ઉકેલ મેળવીને જ ભારતીય ઉપખંડમાં શાંતિ અને સ્થિરતાની સ્થાપના કરી શકાશે. આ માટે બંને દેશ દ્વારા પ્રયાસ થવા જોઇએ. પાકિસ્તાન ભારતીય ઉપખંડમાં શાંતિ ઇચ્છે છે જે ઉપખંડના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.
મોદીનું વિમાન પાકિસ્તાન હદમાંથી ઉડીને બિશ્કેક જશે
શાંઘાઈ સહયોગ સંગઠન (એસસી)ના સંમેલનમાં સામેલ થવા માટે ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાકિસ્તાનની ઉપરથી ઉડીને કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેક જઈ શકશે. પાકિસ્તાનની ઇમરાન ખાન સરકારે સોમવારે ભારતે કરેલી વિનંતી અર્થે મોદીના વિમાનને તેમના હવાઈ ક્ષેત્રમાંથી પસાર થવાથી મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે. એસસીઓ સંમેલન ૧૩-૧૪ જૂને યોજાવાનું છે. પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાંથી પસાર થઈને જતા બિશ્કેક પહોંચવામાં ચાર કલાકનો સમય લાગે છે જ્યારે બીજા માર્ગે આ પ્રવાસ આઠ કલાકનો થાય છે.
ભારતે તાજેતરમાં પાકિસ્તાનની વિનંતી કરી હતી કે તે મોદીના વિમાનને તેના હવાઈ ક્ષેત્રમાંથી પસાર થવાની મંજૂરી આપે. વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું કે સરકારે મોદીના વિમાનને પસાર થવાની મંજૂરી આપવાને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. નિર્ણય સંબંધિત ઔપચારિકતાઓ પૂરી થયા પછી ભારત સરકારને તેની માહિતી આપશે. પાકિસ્તાની અધિકારીએ આશા વ્યક્ત કરી છે સકે તેના જવાબમાં ભારત પણ શાંતિ વાટાઘાટોની દિશામાં પગલું આગળ વધારશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter