નવી દિલ્હીઃ ભારતીય વિદેશ મંત્રાલયે નાઇરોબી સ્થિત ભારતીય હાઇ કમિશનમાં ડેપ્યુટી હાઇ કમિશનર તરીકે ફરજ બજાવતા શ્રી રોહિત વઢવાણાની બોલિવિયાના એમ્બેસેડર તરીકે નિમણૂક કરી છે. વર્ષ 2010ની બેચના યુવા આઇએફએસ અધિકારી અને જાણીતા કટારલેખક શ્રી રોહિત વઢવાણા આ પૂર્વે લંડનસ્થિત ભારતીય હાઇ કમિશનમાં ફરજ બજાવી ચૂક્યા છે, અને તેમના સરળ તથા મૈત્રીપૂર્ણ સ્વભાવ થકી બ્રિટનવાસી ભારતીય સમુદાયમાં આગવી લોકપ્રિયતા મેળવી હતી.
બોલિવિયાનું ભૌગોલિક મહત્ત્વ
ભારતમાં ઈલેક્ટ્રિક વ્હીકલ્સ (ઇવી)ના વેચાણમાં વધારા સાથે લિથિયમની જરૂરિયાત પણ સતત વધી રહી છે. ભારત 2030 સુધીમાં રસ્તાઓ પર 30 ટકા ઈલેક્ટ્રિક વ્હીકલ્સના લક્ષ્યને પાર પાડવા મથી રહ્યું છે ત્યારે ભારત સરકારે લિથિયમના જથ્થાથી ભરપૂર દક્ષિણ અમેરિકી દેશ બોલિવિયામાં દૂતાવાસ ખોલવાનો નિર્ણય લીધો છે.
ભારતને માત્ર ઈવી માટે નહીં પરંતુ, સબમરીન, એરોસ્પેસ ઉદ્યોગ, ડ્રોન અને અન્ય ક્ષેત્રો માટે લિથિયમના વિશાળ જથ્થાની જરૂર છે. ત્યારે, પેરુ સાથેના સંયુક્ત એમ્બેસેડરને દૂર કરીને બોલિવિયાના વધતા મહત્ત્વને માન્યતા આપીને ભારતે નવું દૂતાવાસ શરૂ કરવા સાથે જ નવા રાજદૂતની નિમણુક કરી છે.
બોલિવિયા લિથિયમ ટ્રાયેન્ગલનો ભાગ છે, જે ઈવી માટે મહત્ત્વપૂર્ણ ખનીજનો ખજાનો ધરાવે છે. નવા દૂતાવાસથી ભારત MERCOSURના સભ્ય દેશ બોલિવિયાની સાથે અન્ય સભ્યો બ્રાઝિલ, આર્જેન્ટિના, પેરુગ્વે અને ઉરુગ્વે સાથે પણ વેપાર સંબંધો મજબૂત કરવા માંગે છે.