મહારાણી એલિઝાબેથ-દ્વિતીયના રાજ્યાભિષેકનો હું સાક્ષી બન્યો હતોઃ જામસાહેબ શત્રુશલ્યસિંહજી

Wednesday 21st September 2022 04:10 EDT
 
 

જામનગરઃ જામનગરના જામસાહેબ શત્રુશલ્યસિંહજીએ જણાવ્યું હતું કે મહારાણી એલિઝાબેથ (બીજા), વર્ષ 1953માં ગાદી પર બિરાજ્યા હતા તે સમયે હું બાર વર્ષનો હતો અને સ્વિત્ઝર્લેન્ડમાં ભણતો હતો, મારા મરહૂમ પિતાજી જામસાહેબશ્રી દિગ્વિજયસિંહજી મને તેમની સાથે લંડનમાં યોજાનારા રાજ્યાભિષેક સમારોહમાં લઈ ગયા હતા. હું આ પ્રભાવિત કરનારા અને ખૂબ આકર્ષક એવા રાજ્યાભિષેક સમારોહની પરેડનો સાક્ષી બન્યો હતો.
મહારાણીની સવારીમાં ટોગોનાં રાણીએ પણ ચાંદીની શાહી કેરેજમાં ભાગ લીધો હતો. તે ખૂબ જ જોશીલું વ્યક્તિત્વ ધરાવતા હતા અને બંને તરફ ઊમટેલી જનમેદનીને હાથ હલાવી અભિવાદન કરી રહ્યા હતા..હું અને મારા પિતા ત્યાં સવોય હોટેલમાં રોકાયા હતા જ્યાં તે દિવસે સવારે જ અમને માહિતી મળી હતી કે, એડમંડ હિલેરી અને નોર્ગે તેન્ઝિંગએ બ્રિટિશ એવરેસ્ટ અભિયાનને સફળ બનાવ્યું હતું અને માઉન્ટ એવરેસ્ટ પર પગ મૂકનારા પહેલા નસીબવંતા સાહસિકો બન્યા હતા. અમે તેમની આ સિદ્ધિને મહારાણીના રાજ્યાભિષેકની ભેટ જ માની વધાવી હતી. ત્રણ દિવસ પછી હું જ્યાં અભ્યાસ કરતો હતો તે સ્વિત્ઝર્લેન્ડની શાળામાં પહોંચી ગયો અને થોડા અઠવાડિયા પછી હું ઈંગ્લેન્ડમાં પબ્લિક સ્કૂલમાં દાખલ થયો હતો ત્યાં હું સ્ટડીમાં એક અંગ્રેજી વિદ્યાર્થી સાથે કામ કરતો. તેની દિવાલો પર એલિઝાબેથ ટેલરની તસવીરો ચોંટાડેલી હતી જ્યારે મારી દિવાલો મહારાણી એલિઝાબેથનાં ચિત્રોથી શોભતી હતી. હું જીવનભર મહારાણી અને ડ્યુક ઓફ એડનબરોનો પ્રશંસક રહ્યો છું કે જેઓ હું કંઈપણ કરું હંમેશા મારા વિચારોમાં રહ્યા છે. હવે 70 વર્ષ બાદ આપણે આ બંને પ્રતિભાશાળી વ્યક્તિત્વ વિના જીવવાનું છે. ઈંગ્લેન્ડ પહેલાં જેવું ક્યારેય જોવા નહીં મળે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter