લેસ્ટર, કમ્પાલાઃ ગત ગુરુવાર 21 નવેમ્બરની સાંજે લેસ્ટરસ્થિત ભારતીય રેસ્ટોરામાં આયોજિત વિષેષ રાઉન્ડ ટેબલ ઈવેન્ટમાં યુગાન્ડાના યુકેસ્થિત હાઈ કમિશનર નિમિષા માધવાણીએ ઈસ્ટ આફ્રિકન રાષ્ટ્ર યુગાન્ડામાં ઈન્વેસ્ટર્સ માટે વિપૂલ તક રહેલી હોવાનું જણાવ્યું હતું. તેમણે એગ્રીકલ્ચર, એનર્જી, ICT, રીઅલ એસ્ટેટ અને માઈનિંગ સેક્ટરમાં આવી તક હોવાના ઉદાહરણો આપ્યાં હતાં. હાલમાં જ યુકેથી ટ્રેડ ડેલિગેશન લઈ યુગાન્ડા ગયેલા અને મિડલેન્ડ્સમાં યુગાન્ડાના ઓનરરી કોન્સલ જનરલ જાફર કપાસી OBEએ તેમનો અંગત અનુભવ પણ સહુને જણાવ્યો હતો.
લંડનસ્થિત યુગાન્ડા એમ્બેસીના મિરિયમ ઓટેન્ગોએ પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે યુગાન્ડાની 4.7 મિલિયનની વસ્તીનો 75 ટકાથી વધુ હિસ્સો 30 વર્ષથી ઓછી વય ધરાવે છે. આ મહત્ત્વાકાંક્ષી અને સાહસિક યુવાવર્ગ ઈન્વેસ્ટર્સ માટે વિશાળ સંપત્તિ બની શકે છે. ઈવેન્ટના માસ્ટર ઓફ સેરેમનીઝ (MC) તરીકે ગુમા કોમવિસ્વા ઉપસ્થિત હતા.
મોટિવેશનલ સ્પીકર પરેશ રુઘાણીએ યુગાન્ડા વિશે A ટુ Z વાતો કરીને રૂમને જીવંત બનાવી દીધો હતો. અન્ય વક્તાઓમાં 70થી વધુ વયના તેમજ 50 વર્ષની વયે નિવૃત્ત થઈ અનેક સંસ્થાઓમાં વોલન્ટીઅર તરીકે કાર્યરત અને બ્રેડફોર્ડ ઈકોનોમિક પાર્ટનરશિપના ચેરમેન ડો. મનોજ જોશી, યુનિવર્સિટી ઓફ લેસ્ટરના પ્રોફેસરો કમલેશ ખૂંટી અને નિશાન કાનાગરેજાહનો સમાવેશ થયો હતો.
નીરિક્ષકોએ નોંધ લીધી હતી કે સ્ક્રિપ્ટના લીધે ઉપસ્થિત લોકો યુગાન્ડાના નેશનલ એન્થમની સાથોસાથ ગાતા રહ્યા હતા જ્યારે યૂટ્યૂબથી લાઉડસ્પીકર પર વગાડાયેલા બ્રિટિશ નેશનલ એન્થમને ગાવાનું પડકારરૂપ રહ્યું હતું.
મહેમાનોમાં રેશમ સિંહ સાન્ધુ. રોમેલ ગુલઝાર, ક્રોયડનના કાઉન્સિલર ડો. મંજુ શાહૂલ-હમી, રોબર્ટ વોટ્સન, મુસ્તુફા અબ્દુલાલી, સલીમ બૂધૂ, રિઆઝ રાવત, શાહિદ શેખ OBE, સુઝાન ઓવેરા, યુગાન્ડાના સાંસદ રુકારી એમ્બારારાના પુત્ર રેની, લેસ્ટર સિટી FC અંડર-21 માટે રમતા મોહમ્મદ મિરસાદ અલી અને રુશી મીડ સ્કૂલના પૂર્વ હેડટીચર સ્ટીવ વ્હાઈટનો સમાવેશ થયો હતો.