ન્યુ હામમાં સાદિકા મોહસીન પટેલનાં મૃત્યુની તપાસ ચાલુ

Wednesday 25th March 2020 02:06 EDT
 
 

લંડનઃ ઈસ્ટ હામ ખાતે ૧૯ માર્ચ ગુરુવારે ચાકુના ઘા મારી હત્યા કરાયેલી ૪૦ વર્ષીય મહિલા શાદિકા મોહસીન પટેલની વધુ માહિતી આપવા કેસની તપાસ કરી રહેલા અધિકારીઓએ લોકોને વિનંતી કરી છે. 

ઈસ્ટ હામના બાર્કિંગ રોડના જંક્શન નજીક આલ્ટમોર એવન્યુ ખાતે શાદિકા મોહસીન પટેલની હત્યા કરાયા પછી સ્થાનિક અધિકારીઓએ તે વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કર્યું હતું. શાદિકાને હોસ્પિટલ લઈ જવાયા પછી તેનું મૃત્યુ થયું હતું. ચાકુના અનેક ઘા વાગવાથી ભારે પ્રમાણમાં લોહી વહી જવાથી મૃત્યુ થયાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાવાયું હતું, શાદિકા પટેલના  નિકટના સ્વજનોને માહિતી આપી દેવાઈ હતી.

મેટ્રોપોલીટન પોલીસે જણાવ્યું હતું કે હત્યાના હેતુ અંગે હજુ કોઈ જાણકારી મળતી નથી. ડિટેક્ટિવ ઈન્સ્પેક્ટર જ્હોન મેરિયોટે જણાવ્યું હતું કે ‘ભરચક વિસ્તારમાં હત્યા કરાઈ હતી અને સંખ્યાબંધ બસની અવરજવર હતી ત્યારે કોઈએ કશું જોયું કે સાંભળ્યુ હોય તે શક્ય છે. મિસ પટેલ બે ટીનએજ બાળકોની માતા હતી પરંતુ, પ્લાઈસ્ટોમાં એકલાં જ રહેતાં અને મોટા ભાગે એકલવાયુ જીવન જીવતા હતાં. હત્યા અગાઉના સપ્તાહોમાં તેમને મળનારા કે જોનારા સાથે વાતચીત કરવી ગમશે.’

સીસીટીવી ફૂટેજના સઘન એનાલિસીસ, વિસ્તૃત ફોરેન્સિક તપાસ તેમજ ઘેર ઘેર ફરીને પૂછપરછ ચાલી રહી છે. કોઈ સાક્ષી અથવા કોઈને પણ તપાસમાં સહાય કરી શકે તેવી માહિતી હોય તો 020 8345 3715 પર ફોન કરવા જણાવાયું છે. સ્વતંત્ર ચેરિટી ક્રાઈમસ્ટોપર્સને 0800 555 111 પર ફોન અથવા ઓનલાઈન crimestoppers-uk.org ને માહિતી આપી શકાશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter