શાળાઓ ખોલવાથી વધુ જોખમ

Friday 15th May 2020 06:17 EDT
 
 

લંડનઃ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને લોકડાઉનમાં આંશિક છૂટછાટ જાહેર કરી છે પરંતુ, શાળાઓ હાલ ખોલવાનો ઈનકાર કરી દીધો છે. અગાઉ, ફોરેન સેક્રેટરી ડોમિનિક રાબે પણ જણાવ્યું હતું કે શાળાઓ ફરી ખોલવાનો વિચાર પણ અત્યારે અશક્ય છે. શાળાઓ ખોલવાથી દેશમાં સંક્રમણના મોજાંની બીજી ટોચ આવવાનું જોખમ છે. તેમણે હાફ ટર્મ પછી શાળાઓ ખુલી જશે તેવી વ્યાપક આશાને ઝાટકો આપી શાળાઓ તબક્કાવાર ખોલવાની યોજના જણાવી હતી. બીજી તરફ, સૂત્રોએ જણાવ્યું છે કે શાળાઓમાં હાજરી ફરજિયાત નહિ ગણાય અને ગેરહાજરી બદલ પેરન્ટ્સને દંડિત કરાશે નહિ.
ફોરેન સેક્રેટરી રાબે જણાવ્યું હતું કે શાળાઓ સંપૂર્ણ બંધ રખાશે કે ખોલી દેવાશે તે કહી શકાય નહિ. અત્યારના સંજોગો એવા છે કે જોખમ લઈ શકાય તેમ નથી. આનાથી ટ્રાન્સમિશન રેટ ‘R’ એટલો વધી શકે છે કે સંક્રમણની બીજી ઊંચી ટોચ આવી શકે છે. તેમણે કહ્યું હતું કે આ બાબતે શ્રેષ્ઠ વિકલ્પો માટે સરકારના વૈજ્ઞાનિક સલાહકારોનું માર્ગદર્શન લેવાશે. શાળાઓ જ્યારે પણ ખોલાશે સોશિય ડિસ્ટન્સિંગ નિયમોનું ચૂસ્ત પાલન કરવામાં આવશે. અગાઉ, એજ્યુકેશન સેક્રેટરી ગેવિન વિલિયમસને પણ સાંસદોને શાળાઓ ખોલવા મુદ્દે તબક્કાવાર અભિગમની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે શાળાઓ અને પેરન્ટ્સને તેમજ ચોક્કસપણે વિદ્યાર્થીઓને શાળાઓ ક્યારે ખુલશે તેની સમયસર જાણ કરીશું. બીજી તરફ, સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જનેપણ કહ્યું છે કે જ્યારે સલામતી જણાશે ત્યારે અલગ અલગ વયજૂથના વિદ્યાર્થી માટે શાળાઓ તબક્કાવાર ખોલવા વિચારાશે. તેમણે ચોક્કસ તારીખ આપી નહિ છતાં, જણાવ્યું હતું કે જૂન મહિનો સલામત ગણાશે કે કેમ તેના વિશે તેઓ ચોક્કસ નથી. જોકે, ઓગસ્ટના સ્કોટિશ સમર વેકેશન પછી શાળાઓ ખૂલી શકે તેવો સંકેત આપ્યો હતો. દરમિયાન, વેલ્શમાં જૂનથી શાળાઓ તબક્કાવાર ખુલી શકે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter