અમદાવાદઃ અદાણી ગ્રૂપની પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન કંપની અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ પ્લેસમેન્ટ (QIP) રૂટ મારફતે 1 બિલિયન યુએસ ડોલર (રૂ. 8,373 કરોડ)નું ભંડોળ એકત્ર કરીને ઇતિહાસ રચ્યો છે. આ સીમાચિહ્ન અદાણી એનર્જીને ભારતના ઉર્જા ક્ષેત્રે મોખરાનું સ્થાન અપાવવાની સાથે સાથે જ ભારતના પાવર સેક્ટર પ્રત્યે વૈશ્વિક રોકાણકારોનો ભરોસો દર્શાવે છે.
ટોચના રોકાણકારોમાં કતારના સોવરિન વેલ્થ ફંડની સાથીકંપની આઇએનક્યુ, સિટીગ્રૂપ, નોમુરા તેમજ ભારતીય મ્યુચ્યુઅલ ફંડ એસબીઆઇ જેવા દિગ્ગજોનો સમાવેશ થાય છે.
દેશમાં 21 હજાર કિમી લાંબું પાવર લાઇન નેટવર્ક ધરાવતી અદાણી એનર્જી સોલ્યુશન્સ આ ભંડોળનો ઉપયોગ દેવાનો બોજ ઘટાડવા તેમજ સ્માર્ટ મીટર બિઝનેસ વિસ્તારવામાં કરશે. ભારતના ઉર્જા ક્ષેત્રે અગ્રેસર સ્થાન ધરાવતી અદાણી એનર્જી સોલ્યુશન્સ મુખ્યત્વે પાવર જનરેશન અને ડિસ્ટ્રીબ્યુશન ક્ષેત્રે કાર્યરત છે. જેના પ્રોજેક્ટમાં ગુજરાતમાં ખાવડા અને રાજસ્થાનમાં રિન્યુએબલ પાવર ટ્રાન્સમિશન તેમજ બલ્ક રિન્યુએબલ પાવર પ્રોજેક્ટ્સમાં રોકાણ ઉપરાંત મુંબઈમાં રિન્યુએબલ પાવર ડિસ્ટ્રીબ્યુશન વગેરે સામેલ છે.
કંપનીના સીઇઓ કંદર્પ પટેલનું કહેવું છે કે જંગી મૂડીરોકાણ અને વીજમાંગમાં થઇ રહેલો વધારો પાવર સેક્ટરનો સકારાત્મક વિકાસ સૂચવે છે. ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સે આપેલા પ્રચંડ પ્રતિસાદમાં ભારતના પાવર સેક્ટર પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને વિશ્વાસ ઝળકે છે, અને આ સેક્ટરમાં અદાણી એનર્જીની ભૂમિકા મહત્ત્વની છે. દેશના પાવર સેક્ટરમાં ઉલ્લેખનીય યોગદાન આપવા સાથે અદાણી અેનર્જી ભરોસાપાત્ર અને સસ્તી વીજળી ક્ષેત્રે ક્રાંતિ લાવી રહી છે. આ ક્યુઆઇપીને મળેલો અભૂતપૂર્વ પ્રતિસાદ કંપનીના બિઝનેસ મોડેલ અને વૃદ્ધિમાં રોકાણકારોનો વિશ્વાસ દર્શાવે છે.’
દેશના પોર્ટ, પાવર અને સિમેન્ટ સેક્ટરમાં મોખરાનું સ્થાન ધરાવતું અદાણી ગ્રૂપ હવે ડેટા સેન્ટર્સ, મીડિયા અને કન્ઝ્યુમર ફાઇનાન્સ ક્ષેત્રે બિઝનેસ વિસ્તારી રહ્યું છે. ભારતના બીજા ક્રમના સૌથી ધનાઢય ગૌતમ અદાણીએ સ્થાપેલા આ ગ્રૂપની પ્રતિષ્ઠાને ગયા વર્ષે હિન્ડેનબર્ગ રિપોર્ટ અને કૌભાંડોના આક્ષેપોએ ફટકો માર્યો હતો. જોકે શેરહિસ્સો વેચવા અદાણી એનર્જીએ હાથ ધરેલા પ્રયાસોને ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ તરફથી મળેલો પ્રચંડ પ્રતિસાદ દર્શાવે છે કે આ બધી વાતો ભૂતકાળ બની છે અને કંપનીએ ફરી એક વખત પ્રગતિના પંથે આગેકૂચ શરૂ કરી છે.