અનંત-રાધિકાના સંગીત સમારોહમાં સેલિબ્રિટીસ ઝૂમી ઉઠ્યા

Tuesday 09th July 2024 05:53 EDT
 
 

મુંબઈ: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણીના પુત્ર અનંત અંબાણીના અને તેમની મંગેતર રાધિકા મર્ચન્ટના લગ્નની ઊજવણી ગયા બુધવારે મુંબઈમાં અંબાણીના ઘર એન્ટિલિયા ખાતે મામેરું સમારોહ સાથે શરૂ થઈ છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈએ મુંબઈમાં લગ્નના બંધનમાં બંધાશે.
આ પૂર્વે ગયા શુક્રવારે સાંજે પુત્ર અનંત અંબાણી અને તેની મંગેતર રાધિકા મર્ચન્ટના સંગીત સમારોહનું આયોજન કરાયું હતું. જેમાં બોલિવૂડના ઘણા સેલિબ્રિટીઝ જોવા મળ્યા હતા. આ સંગીત સમારોહમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણીએ તેમના પરિવાર સાથે શાહરુખ ખાનની ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’નાં લોકપ્રિય ગીત ‘દીવાનગી દીવાનગી’ પર ડાન્સ કર્યો હતો.
આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. નીતા અંબાણીએ પર્ફોમન્સ દરમિયાન ભરતનાટ્યમની ઝલક પણ બતાવી અને અંબાણી પરિવાર સાથે દિલથી ડાન્સ કર્યો. નીતા અંબાણી ગુલાબ લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા જ્યારે મુકેશ અંબાણી નેવી બ્લુ કુર્તા-પાયજામા અને મેચીંગ કોટીમાં એકદમ શાનદાર લાગતા હતા. અનંત–રાધિકા પણ આ લોકપ્રિય બોલિવૂડ ટ્રેક પર ધૂમ મચાવતા જોવા મળ્યા હતા.
સંગીત સમારોહના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવી રહ્યા છે. અનંત અંબાણી સલમાન ખાન સાથે ‘ઐસા પહેલી બાર હુઆ હૈ...’ ગીત પર ડાન્સ કરી રહ્યા હતા. આ સમારોહમાં સલમાન ઉપરાંત વિકી કૌશલ, દીપિકા પદુકોણ, કિયારા અડવાણી, સિદ્ધાર્થ મલ્હોત્રા, એમ.એસ. ધોની, હાર્દિક પંડ્યા, આલિયા ભટ્ટ અને રણબીર કપૂર જેવા ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. રણવીર સિંહે શુક્રવારે સાંજે તેના ધમાકેદાર નૃત્ય પ્રદર્શન સાથે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન સંગીત સમારોહની શરૂઆત કરી હતી.
જસ્ટિન બીબરનું ધમાકેદાર પર્ફોર્મન્સ
સંગીત સેરેમનીમાં લાઈવ પરફોર્મન્સ આપવા કેનેડિયન સિંગર જસ્ટિન બીબર ગયા શુક્રવારે મુંબઈ આવ્યો હતો. મુંબઈથી પરત ગયા બાદ જસ્ટિને રવિવારે અનંત-રાધિકા સાથેના ફોટોગ્રાફ્સ શેર કર્યા હતા. સંગીત સેરેમનીના ઈનસાઈડ ફોટોગ્રાફ્સમાં અંબાણી પરિવારના સભ્યો સાથે જસ્ટિન બીબરને હળવાશભરી પળો માણતો જોઈ શકાય છે. જસ્ટિનની સાથે અનંત અને રાધિકા એક રૂમમાં ઊભા છે અને તેમના ચહેરા પર જસ્ટિનને આવકારવાનો આનંદ જોવા મળે છે.

દાદીમાનો હરખઃ કોકિલાબહેને ગરબા નાઇટ યોજી
અનંત-રાધિકાના લગ્ન પ્રસંગે દાદીમા કોકિલાબેન અંબાણી દ્વારા ભવ્ય ગરબા નાઇટ યોજાઇ હતી. રાધિકાના જાંબલી ચણિયામાં શ્રીનાથજીની એમ્બ્રોડરીએ બધાંનું ધ્યાન ખેંચ્યું હતું. અનંતે પેસ્ટલ પિંક કૂર્તો અને જેકેટ પસંદ કર્યા હતા. આ પ્રસંગે કોકિલાબહેન અને પરિવારના અન્ય સભ્યો પાર્થિવ ગોહિલના ગરબાના તાલે ઝૂમ્યા હતાં.

મામેરાની વિધિ સાથે લગ્નવિધિનો પ્રારંભ
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની લગ્નવિધિનો પ્રારંભ મામેરા સાથે થયો છે. બુધવારે રાત્રે અનંત-રાધિકાના લગ્નનું મામેરું ભરાયું હતું. આ કાર્યક્રમમાં સમગ્ર અંબાણી પરિવાર અને નજીકના મિત્રો હાજર રહ્યા હતા. વિધિ પ્રસંગે રાધિકાએ જરદોશી વર્ક સાથેનો લહેંગો પહેર્યો હતો, જેમાં સોનાના તાર વડે મા દુર્ગાના નવ અવતારો અંકિત હતા.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter