અયોધ્યામાં રામમંદિરનું 60 ટકા કામ પૂરું

Sunday 22nd January 2023 05:15 EST
 
 

અયોધ્યા: અયોધ્યામાં શ્રીરામ મંદિરનાં બાંધકામનું 60 ટકા કામ પૂરું થઈ ગયું છે. મકરસંક્રાંતિનાં દિવસથી બરાબર એક વર્ષ પછી 2024માં મકરસંક્રાંતિના દિવસે જ મંદિરમાં રામલલાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે તેમ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનાં મહામંત્રી ચંપતરાયે જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે, 2024 માં મકરસંક્રાંતિનાં દિવસે ભગવાન રામની બાળ સ્વરૂપની પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે. ઓક્ટોબર 2023 સુધીમાં મંદિરનાં પહેલા મજલા સુધીનું કામ પૂરું કરી દેવામાં આવશે. હાલ જે રીતે તૈયારી ચાલી રહી છે તે મુજબ પહેલી જાન્યુઆરી 2024થી 14 જાન્યુઆરી 2024 સુધીમાં મંદિરમાં રામલલાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરી દેવાશે.
મંદિર નિર્માણનું કામ યુદ્ધના ધોરણે
ચંપતરાયે કહ્યું કે મંદિર બનાવવાનું કામ યુદ્ધનાં ધોરણે ચાલુ છે. ઓક્ટોબર 2023 સુધીમાં પહેલા માળ સુધીનું કામ પૂરું કરી દેવાશે. આ પછી ભગવાન રામની બાળ સ્વરૂપ મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરી દેવાશે. ભગવાન રામનું મંદિર નક્કી કરેલી સમયમર્યાદા પહેલા પૂરું કરાશે. ભગવાન રામની બાળ સ્વરૂપની મૂર્તિ બાળ સ્વરૂપની હશે.
ટ્રસ્ટે કહ્યું કે ભગવાન શ્રીરામની મૂર્તિ 8.5 ફૂટ લાંબી હશે. જેને બનાવતા પાંચથી છ મહિના લાગશે. મૂર્તિ આસમાની રંગના પથ્થરમાંથી બનાવાશે. મહારાષ્ટ્ર અને ઓડિશાથી આવા પથ્થર લાવવામાં આવશે. શ્રીરામની રામનવમીનાં દિવસે સૂર્યનાં કિરણોનું તિલક થાય તે રીતે મૂર્તિને ગોઠવવામાં આવશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter