લોકસભા ચૂંટણીની સાથોસાથ આંધ્ર પ્રદેશ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ અને સિક્કમમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાઇહતી. આમાંથી આંધ્ર અને ઓડિશામાં ભાજપ અને એનડીએ માટે સારા સમાચાર છે. ઓડિશામાં 24વર્ષ પછી નવીન પટનાયકના હાથમાંથી સત્તા સરકી રહી છે.
ઓડિશામાં ભાજપે ધારાસભાની કુલ 147 બેઠકો પૈકી 78 બેઠક જીતી લીધી છે. બીજેડીએ 51 બેઠક જીતી છે. ઓડિશામાં નવીન પટનાયક 24 વર્ષથી મુખ્યપ્રધાન છે. ઓડિશામાં ભાજપ મુખ્યમંત્રીના ચહેરા પર ચૂંટણી નથી લડ્યું, પરંતુ વડાપ્રધાન મોદીના ચહેરા પર જ ચૂંટણી લડવામાં આવી હતી.
આંધ્રમાં પણ એનડીએ (ભાજપ, ટીડીપી અને જનસેના પાર્ટી) સત્તામાં પાછી ફરી રહી છે. ટીડીપી 135 બેઠકો જીતી છે. રાજ્યમાં ભાજપે ચંદ્રાબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટી, અભિનેતા પવન કલ્યાણની પાર્ટી જનસેના પાર્ટી સાથે ગઠબંધન કર્યું હતું. વર્તમાન મુખ્યપ્રધાન જગનમોહન રેડ્ડીની પાર્ટીનું લગભગ ધોવાણ થઇ ગયું છે. વર્ષ 2019માં જગનમોહનના પક્ષ વાયએસઆર (કોંગ્રેસ)એ 175 બેઠકો પૈકી 151 બેઠકો પર વિજય મેળવ્યો હતો.
સિક્કિમ SKMને પ્રચંડ બહુમતી
સિક્કિમમાં તમામ 32 પૈકી 31 સીટો પર સિક્કિમ ક્રાંતિકારી મોરચો (SKM)ને પ્રચંડ બહુમતી મળી હતી જયારે સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ (SDF)ને સમ ખાવા પૂરતી ફક્ત એક જ સીટ મળી હતી. અહીં ભાજપ અને કોંગ્રેસનો એક પણ સીટ પર વિજય થયો ન હતો. આમ કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે. રાજ્યમાં વિરોધ પક્ષ તરીકે એક ઉમેદવાર જ રહેશે. સિક્કિમમાં સરકાર રચવા કુલ 32માંથી 17 સીટો જીતવી જરૂરી હતી. પૂર્વ સીએમ બે સીટ પરથી લડયા હતા પણ બંને સીટ પર હારી ગયા હતા.