નવી દિલ્હીઃ દેશના 79મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ કરેલા રાષ્ટ્રજોગ સંબોધનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કાશ્મીરમાં પહેલગામ આતંકવાદી હુમલા સામે રાષ્ટ્રના નિર્ણાયક જવાબની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર આતંકવાદ સામેની લડાઈના ઇતિહાસમાં એક ઉદાહરણ સ્થાપિત કરશે. રાષ્ટ્રપતિએ દેશની એકતા અને સંરક્ષણ ક્ષેત્રમાં વધતી જતી આત્મનિર્ભરતા પર ભાર મૂકીને નાગરિકોને આપણે ભારતીય પ્રોડક્ટ્સ ખરીદવાનો સંકલ્પ લેવાનો પણ અનુરોધ કર્યો હતો. 24 મિનિટના રાષ્ટ્રજોગ સંબોધનમાં રાષ્ટ્રપતિએ નિર્દોષ નાગરિકોની કાયરતાપૂર્ણ અને સંપૂર્ણપણે અમાનવીય હત્યાની નિંદા કરી હતી અને ભારપૂર્વક જણાવ્યું કે સશસ્ત્ર દળોએ સરહદ પાર આતંકવાદી માળખાનો નાશ કરીને વ્યૂહાત્મક સ્પષ્ટતા અને ટેકનિકલ ક્ષમતા દર્શાવી છે.