ઇન્દોર: લોકસભા ચૂંટણી 2024માં મધ્ય પ્રદેશની ઇન્દોર બેઠક પર ઐતિહાસિક ત્રણ રેકોર્ડ નોંધાયા છે. આ બેઠકના ભાજપના ઉમેદવાર શંકર લાલવાણીને દેશમાં સૌથી વધારે 12 લાખ કરતાં વધારે મત મળ્યા, જેણે પાછલા બધા રેકોર્ડ તોડી નાખ્યા છે. બીજો રેકોર્ડ, સૌથી મોટી સરસાઈનો છે. આ બેઠક પર સૌથી વધારે 11.75 લાખ મતોની સરસાઈથી ભાજપના ઉમેદવારે જીત મેળવી છે; જ્યારે ત્રીજો રેકોર્ડ આ બેઠક પર સૌથી વધારે ‘નોટા’ (નન ઓફ ધ એબોવ) મતનો છે.
દેશની સૌથી મોટી જીત મધ્ય પ્રદેશની ઈન્દોર સીટ પર થઈ છે. અહીં ભાજપના સાંસદ શંકર લાલવાણીને કુલ 12,26,751 મતો મળ્યા હતા. સાથે જ તેમણે 10,08,077 મતોની સરસાઈથી જીત મેળવી છે. તેમણે બસપાના પોતાના હરીફ સંજય સોલંકીને પહેલા રાઉન્ડની ગણતરીથી જ પાછળ છોડવાનું શરૂ કર્યું હતું અને સાતમા રાઉન્ડમાં 11 લાખ મતોની સરસાઈ મેળવી લીધી હતી. સંજય સોલંકીને માત્ર 51,659 મતો મળ્યા હતા.
ઉલ્લેખનીય છે કે આની પહેલાં 2019ની ચૂંટણીમાં ગુજરાતની નવસારી બેઠક પરના ભાજપના ઉમેદવાર સીઆર પાટિલે પોતાની હરીફને 6.90 લાખ મતોની સરસાઈથી હરાવ્યા હતા. અહીં 2,18,674 મતદારોએ નોટાને વોટ આપ્યો હતો. આની પહેલાં 2019માં બિહારની ગોપાલગંજ બેઠક પર દેશમાં સૌથી વધારે 51,600 વોટ ‘નોટા’ને મળ્યા હતા.