ઉદ્યોગપતિ બી. કે. બિરલાનું અવસાન

Friday 05th July 2019 03:38 EDT
 
 

મુંબઈઃ બિરલા ગ્રૂપના મોભી બસંત કુમાર બિરલાનું ત્રીજી જુલાઇએ ૯૮ વર્ષની વયે મુંબઇમાં અવસાન થયું છે. ભારતીય ઉદ્યોગજગતમાં સૌથી આદરણીય અને પ્રતિષ્ઠિત ગણાતા બિરલા વૃદ્ધાવસ્થાને લગતી બીમારીથી પીડાતા હતા. માત્ર ૧૫ વર્ષની ઉંમરે બિઝનેસમાં સક્રિય થઈ ગયેલા બિરલા છેલ્લે સેન્ચુરી ટેક્સટાઇલ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન પદે હતા.
કેસોરામ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન તરીકે શરૂઆત કરીને તેમણે બિઝનેસમાં કેટલીક પહેલ કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી એમ તેમના પરિવારે જણાવ્યું હતું. તેમનાં પત્ની સરલા બિરલાનું ૨૦૧૫માં નિધન થયું હતું જ્યારે તેમના એકમાત્ર પુત્ર આદિત્ય વિક્રમ બિરલાનું ૧૯૯૫માં અવસાન થયું હતું. બી. કે. બિરલા તેમની બે પુત્રીઓ મંજુશ્રી ખૈતાન (કેસોરામ ઇન્ડસ્ટ્રીઝ) અને જયશ્રી મોહતા (જયશ્રી ટી એન્ડ ઇન્ડસ્ટ્રીઝ)ને વિલાપ કરતાં છોડી ગયાં છે. બિરલાનો પાર્થિવ દેહ કોલકાતા સ્થિત બિરલા પાર્ક નિવાસસ્થાને લઈ જવાયો હતો, અને પાંચમી જુલાઇએ તેના અંતિમ સંસ્કાર થયા હતા.
પૌત્ર કુમાર મંગલમ્ બિરલા તેમને નાદુરસ્ત તબિયતને કારણે કોલકતાથી મુંબઈ લઈ ગયા હતા. ૧૯૨૧માં જન્મેલા બી. કે. બિરલા પરોપકારી પ્રવૃત્તિ માટે જાણીતા ઘનશ્યામદાસ બિરલાના સૌથી નાના પુત્ર હતા. બિરલા ક્રિષ્નાર્પન ચેરિટી ટ્રસ્ટના પણ ચેરમેન હતા. આ ટ્રસ્ટી બી. કે. બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી (પિલાની, રાજસ્થાન) નામની એન્જિનિયરિંગ કોલેજ ચલાવે છે તેમજ દેશભરમાં ૨૫ શૈક્ષણિક સંસ્થાઓ પણ આ ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter