ઉદ્યોગપતિ મુકેશ અંબાણી નાના બન્યા, ઈશાએ જોડકા બાળકોને જન્મ આપ્યો

Wednesday 23rd November 2022 07:48 EST
 
 

મુંબઇઃ દેશના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી નાના બની ગયા છે. તેમની પુત્રી ઈશાએ શનિવારે જોડકા બાળકોને જન્મ આપ્યો છે.
અંબાણી પરિવાર અને પિરામલ પરિવાર તરફથી જણાવાયું હતું કે, ઈશા અંબાણીએ 19 નવેમ્બર 2022ના રોજ જોડકા બાળકોને જન્મ આપ્યો છે, જેમાં એક પુત્ર અને એક પુત્રી છે. પુત્રનું નામ કૃષ્ણ અને પુત્રીનું નામ આદ્યા રાખવામાં આવ્યું છે.
અંબાણી પરિવારે લોકો સાથે તેમનો આ આનંદ વ્યક્ત કરતાં એક અખબારી યાદી જાહેર કરી છે, જેમાં જણાવાયું છે કે અમને એ જણાવતા અત્યંત આનંદ થાય છે કે અમારા સંતાનો ઈશા અને આનંદને 19 નવેમ્બર 2022ના રોજ ભગવાને જોડકા બાળકોના આશીર્વાદ આપ્યા છે. ઈશા અને સંતાનો આદ્યા અને કૃષ્ણના સ્વાસ્થ્ય સારા છે. અમે આદ્યા, કૃષ્ણ, ઈશા અને આનંદ માટે તેમના જીવનના આ સૌથી મહત્વપૂર્ણ તબક્કામાં તમારા આશીર્વાદ અને શુભકામનાઓ ઈચ્છીએ છીએ.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીની પુત્રી ઈશા અંબાણી અને ઉદ્યોગપતિ અજય પીરામલ તથા સ્વાતિ પીરામલના પુત્ર આનંદ પીરામલના લગ્ન 2018માં થયા હતા.
મુકેશ અંબાણીએ તાજેતરમાં જ ઈશા અંબાણીને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને રિટેલ બિઝનેસનું સુકાન સોંપ્યું છે. આ સાથે તેમના પર હવે કારોબાર સંભાળવાની સાથે બે બાળકોની પણ જવાબદારી આવી ગઈ છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter