એલઆઇસીનું વેલ્યુએશન કેટલું? રૂ. ૮થી ૧૦ લાખ કરોડનો અંદાજ

Saturday 25th September 2021 09:54 EDT
 
 

નવી દિલ્હીઃ ભારતની સૌથી મોટી વીમા કંપની લાઇફ ઇન્સ્પોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એલઆઇસી)નું વેલ્યુએશન ૮ લાખ કરોડથી ૧૦ લાખ કરોડ રૂપિયા વચ્ચે હોઇ શકે છે. જો તે જાહેર ભરણા દ્વારા તેનો ૧૦ ટકા શેર હિસ્સો વેચે તો પણ તે દેશનો સૌથી મોટો આઇપીઓ હશે. જોકે, આ બાબતથી માહિતગાર અધિકારીઓનું કહેવું છે કે મૂલ્યાંકન પ્રાથમિક ધોરણે કરવામાં આવ્યું છે. સત્તાવાર મૂલ્યાંકન પછી આ આંકડો બદલાઇ શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર એલઆઇસીના આઇપીઓ થકી લગભગ ૪૦,૦૦૦ કરોડથી એક લાખ કરોડ રૂપિયા એકત્ર કરી શકે છે. બજેટ ખાધને પૂરી કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર સરકારી કંપનીઓના ડિસઇન્વેસ્ટમેન્ટ દ્વારા માર્ચ ૨૦૨૨ સુધીમાં ૧.૭૫ લાખ કરોડ રૂપિયા એકત્ર કરવાનું લક્ષ્ય રાખે છે. આ લક્ષ્યને હાંસલ કરવા માટે, એલઆઇસીના હિસ્સાનું વેચાણ ખૂબ મહત્ત્વનું પગલું છે.
રોકાણકારોના વિવિધ સેગમેન્ટની વૈવિધ્યસભર અને મજબૂત માંગને સુનિશ્ચિત કરવા માટે સરકાર વિદેશી મૂડીરોકાણકારોને એલઆઇસીમાં રોકાણ કરવાની મંજૂરી પણ આપી શકે છે. એલઆઇસીના આઇપીઓની પ્રક્રિયાની શરૂઆતમાં બેન્કરોએ સરકાર અને એલઆઇસીના અધિકારીઓ સાથે ઔપચારિક બેઠક કરી છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter