કર્ણાટકમાં આખરે ઘીના ઠામમાં ઘી ઢળ્યુંઃ સિદ્ધારમૈયા મુખ્યમંત્રી, શિવકુમાર નાયબ મુખ્યમંત્રી

Thursday 18th May 2023 03:23 EDT
 
 

બેંગ્લૂરુઃ કર્ણાટકમાં ભારે બહુમતથી વર્ષો બાદ કોંગ્રેસે મોટી જીત તો મેળવી લીધી હતી, પરંતુ મુખ્યમંત્રીપદ માટે સિદ્ધારમૈયા અને ડી.કે. શિવકુમાર વચ્ચે અસમંજસ સર્જાયું હતું. આખરે સિદ્ધારમૈયાનું પલડું ભારે રહ્યું અને તેમના નામ પર મુખ્યમંત્રીપદ માટે મહોર મારવામાં આવી. તો ડી.કે. શિવકુમારને નાયબ મુખ્યમંત્રીપદથી સંતોષ માનવો પડ્યો છે. ડી.કે. શિવકુમારના અસંતોષને ઠારવા હાઇકમાન્ડે તેમને મહત્ત્વનાં મંત્રાલય આપવાનો વાયદો કર્યો છે.

કયાં પાસાંને આધારે સિદ્ધારમૈયાને મુખ્યમંત્રીપદ?
હાઇકમાન્ડ દ્વારા કર્ણાટકના મુખ્યમંત્રી તરીકેનો પસંદગીનો કળશ સિદ્ધારમૈયા પર ઢોળવામાં આવ્યો. આ પસંદગી પાછળ કોંગ્રેસ હાઇકમાન્ડે બંને વચ્ચેના સકારાત્મક અને નકારાત્મક પાસાંને ધ્યાને લેવામાં આવ્યા અને આખરે સિદ્ધારમૈયાની મુખ્યમંત્રીપદ માટે પસંદગી કરવામાં આવી, જે મુજબ સિદ્ધારમૈયા 20 મેએ મુખ્યમંત્રીપદના શપથ ગ્રહણ કરશે. હાઇકમાન્ડે સિદ્ધારમૈયાના સામાજિક ન્યાયના મુદ્દે લડેલી ચૂંટણી, તેમની દરેક સમુદાય દ્વારા સ્વીકાર્યતા, પ્રશાસનિક અનુભવ, સ્વચ્છ પ્રતિભા અને યોજનાઓને લાગુ કરવાની તેમની આવડત જેવાં સિદ્ધારમૈયાનાં સકારાત્મક પાસાંને ધ્યાને લેવામાં આવ્યાં.
ક્યાં નબળા પડ્યા ડી.કે. શિવકુમાર?
હાઇકમાન્ડને જ્યારે કર્ણાટકના મુખ્યમંત્રીપદ માટે પસંદગી કરવાની હતી ત્યારે અનેક ફેક્ટરને ધ્યાને લેવામાં આવ્યા, જેમાં ડી.કે. શિવકુમારનાં અનેક નબળાં પાસાં પણ જણાયાં. આ નબળાં પાસાંને ધ્યાને લેતાં તેમને મુખ્યમંત્રીપદ આપવામાં આવ્યું નહીં. આ નબળાં પાસાંમાં સીબીઆઇ, ઈડી અને આવકવેરા વિભાગ સહિત કેન્દ્રીય એજન્સીઓની તપાસ; એક જ સમુદાય વોક્કાલિગા અને એક જ વિસ્તારના નેતા તરીકેની છાપ; અમીર નેતા હોવાની ઇમેજ; ઓછા ધારાસભ્યોનો સપોર્ટ અને પ્રશાસનના અનુભવની ઉણપ મુખ્ય રહ્યાં.

શું છે કોંગ્રેસની 5 ગેરંટી?
દરેક પરિવારને 200 યુનિટ નિઃશુલ્ક વીજળી
ગ્રેજ્યુએટ બેરોજગારને રૂ. 3 હજારનું માસિક ભથ્થું, ડિપ્લોમા હોલ્ડર્સને રૂ.1500 ભથ્થું
દરેક પરિવારની એક મહિલાને રૂ. 2 હજારનું માસિક ભથ્થું
દરેક ગરીબ વ્યક્તિને 10 કિલો નિઃશુલ્ક અનાજ
મહિલાઓને સરકારી બસમાં નિઃશુલ્ક મુસાફરીની સુવિધા


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter