કાશ્મીરમાં ઇતિહાસ રચાશેઃ પાક.થી આવેલા 5400 શરણાર્થી પરિવારોને 68 વર્ષે જમીનનો હક

Tuesday 20th September 2022 04:43 EDT
 
 

શ્રીનગર-જમ્મુ: જમ્મુ-કાશ્મીર વહીવટી તંત્રે પશ્ચિમ પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓને જમીન માલિકીનો હક આપવાની પ્રક્રિયા શરૂ કરી છે. સરકારી રેકોર્ડ મુજબ 1947 પછી 5400 પરિવાર પાકિસ્તાનથી જમ્મુના સરહદી ક્ષેત્રોમાં આવ્યા હતા. મોટા ભાગના તેમાં હિન્દુ અને શીખ હતા. આ પરિવાર કથુઆ, સાંબા અને જમ્મુ જિલ્લામાં વસી ગયા હતા. 1954માં જમ્મુ, સાંબા અને કથુઆમાં તેમને 46,666 કનાલ (5833 એકર) જમીન અપાઈ હતી પણ 68 વર્ષ વીતી જવા છતાં જમીન માલિકીનો હક ન મળ્યો. ખરેખર તેમને જમ્મુ-કાશ્મીરના નાગરિક મનાતા નહોતા. ન તો તેમને જમીન ખરીદવાનો અધિકાર હતો અને ન તો સરકારી નોકરી કરવાનો. જોકે હવે કલમ 370 રદ થઇ હોવાથી સરકારે તેમને અહીંના રહેવાસી માન્યા. સરકારે શરણાર્થીઓના આ દરેક પરિવારને 5.5 લાખ રૂપિયા પણ આપ્યા છે.
બધાને માલિકી હક મળવામાં હજુ સમય લાગશે
જમ્મુ-કાશ્મીરના અધિકારીઓ અનુસાર મહેસૂલ વિભાગે માલિકીના અધિકારની ફાળવણીનું કામ યોગ્ય રીતે કરવા માટે એક અભ્યાસ શરૂ કર્યો હતો. તે હેઠળ શરણાર્થીઓ અને તેમના પરિવારોની સંખ્યા, તેમના કબજા હેઠળની કુલ જમીન, તે જમીનની સ્થિતિ અને અન્ય માહિતીઓનો ડેટા તૈયાર કરાઈ રહ્યો છે. તેના આધારે માલિકીનો હક આપવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. મહેસૂલ વિભાગે જમ્મુ, સાંબા અને કથુઆ જિલ્લા તંત્રને નિર્દેશ આપ્યો કે તે તમામ ઔપચારિકતાઓ જલદીથી જલદી પૂરી કરે. એક સરકારી સૂત્રએ જણાવ્યું કે આવનારા મહિનામાં એક મોટા સમારોહમાં તેમને માલિકીનો હક આપવાની ઔપચારિક જાહેરાત કરાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter