શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં ગેરકાયદે વસતા હજારો વિદેશી નાગરિકોની મુશ્કેલી વધવાની છે. તેમના દસ્તાવેજોની ચકાસણી શરૂ કરાઇ છે. આ તપાસ એક હાઇ લેવલ કમિટી દ્વારા ચાલી રહી છે. જમ્મુ-કાશ્મીરના લેફ. ગવર્નર મનોજ સિંહાએ થોડા દિવસ પહેલા આ સમિતિની રચના કરી હતી.
આ ઉચ્ચ સ્તરીય સમિતિ 1જાન્યુઆરી 2011 બાદ કાશ્મીરમાં બનાવટી દસ્તાવેજોના આધારે કે દસ્તાવેજો વિના રહેતા લોકોની ઓળખ કરીને રિપોર્ટ તૈયાર કરશે અને દર મહિનાની સાતમી તારીખે ગૃહ મંત્રાલયને સોંપશે. સરકારના એક ઉચ્ચ અધિકારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે રાજ્યમાં મ્યાંમાર, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળના લગભગ 12 હજાર વિદેશી અને 8હજારથી વધુ રોહિંગ્યા શરણાર્થીઓ રહે છે. આમાંથી અડધા લોકો પાસે યુએનનું ઓળખપત્ર છે. તેમની ઓળખ કર્યા બાદ મોટાભાગના લોકોને પોતાના દેશ મોકલવાની તૈયારી છે. એટલું જ નહીં, તેમની સામે કાનૂની કાર્યવાહી પણ કરાશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં રોહિંગ્યા ડોમિસાઇલ બનાવી રહ્યા છે.
હાલમાં જ કિશ્તવાડમાં એક રોહિંગ્યા મહિલા પાસે ડોમિસાઇલ મળ્યું હતું. એ પછી લેફ. ગવર્નરે પોલીસને તપાસ કરવા જણાવ્યું હતું. તપાસમાં ઘૂસણખોરો દ્વારા ગંભીર ખતરો પેદા થઈ રહ્યો હોવાનું સામે આવ્યું હતું. આ પછી તપાસ કરીને ઘૂસણખોરોની હકાલપટ્ટીનો તખતો તૈયાર થઇ રહ્યો છે.
પગલાંના ચાર મોટા કારણ...
1) સમિતિની રચના પહેલા સરકારે ગેરકાયદે વિદેશીઓની સમસ્યાઓનો અભ્યાસ કર્યો હતો. જાણવા મળ્યું હતું કે હિન્દુ બહુમતી વિસ્તાર જમ્મુમાં રોહિંગ્યા મુસ્લિમ શરણાર્થીઓની સંખ્યા વધી રહી છે, જે ભવિષ્યમાં સામાજિક તણાવનું કારણ બની શકે છે. તેમને જમ્મુમાંથી ખસેડીને નિર્વાસિત કરવાનું રાજકીય દબાણ પણ છે.
2) મોટાભાગના રોહિંગ્યા બોર્ડર નજીક મળ્યા છે. તેમનું વેરિફિકેશન કે બેકગ્રાઉન્ડ ચેક થયું નથી. તેથી આશંકા છે કે તેઓ આતંકવાદીઓ કે નાર્કો તસ્કરોનો હાથો બની શકે છે.
3) જે ત્રાસવાદી હથિયાર છોડી ચૂક્યાં છે તેમની 350 પત્નીઓ કાશ્મીરમાં રહે છે. આ તમામ પાકિસ્તાનની વતની છે અને કોઈ પણ દસ્તાવેજ વિના રહે છે. તેઓ દેખાવો કરીને માન્યતા માટે સરકાર પર દબાણ કરે છે. .
4) આ ઉપરાંત રાજ્યમાં કેટલાક વિદેશી પર્યટકો વિઝા પર આવ્યા હતા. પણ બાદમાં સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે જોડાઈને અહીં જ વસી ગયા છે. તેમની ઓળખ પણ થઈ રહી છે.