કોરોના માટે કિલ્લેબંધી: ભારતમાં શિક્ષણ સંસ્થાનો, થિયેટર, જિમ બંધ

Wednesday 18th March 2020 05:33 EDT
 
કોરોનાનો સામનો કરવા માટે સંયુક્ત પગલાં લઇ શકાય તે માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૪ માર્ચે ‘સાર્ક’ દેશોના વડાઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ચર્ચા કરી હતી. મોદીએ કોવિડ-૧૯ માટે ઇમરજન્સી ફંડ રચવાની દરખાસ્ત કરી હતી અને ભારત દ્વારા ૧ કરોડ ડોલર ફંડ જાહેર કર્યું હતું. મોદીની પહેલના વિશ્વએ વખાણ કર્યા હતાં. આ વીડિયો કોન્ફરન્સમાં પાકિસ્તાન પણ જોડાયું હતું, પણ કોરોનાના બદલે કાશ્મીરનું જ ગાણું ગાયું હતું.
 

નવી દિલ્હી: કોરોના વાઇરસનું એપી સેન્ટર બનેલા યુરોપિયન યુનિયનના દેશોના ટ્રાવેલર્સ ભારતમાં આવીને કોરોના વાઈરસનો ચેપ ફેલાવે નહી એ માટે ભારત સરકારે આ ૩૨ દેશોના યુનિયનના પેસેન્જરોને ભારતમાં નો એન્ટ્રી ફરમાવી છે. યુરોપિયન યુનિયન, યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન મેમ્બર જેવા કે લિક્ટેસ્ટીન, આઇસલેન્ડ, નોર્થ અને સ્વીસ કોન્ફેડરેશન, યુકે, અને તુર્કીના ટ્રાવેલર્સ ભારતમાં પ્રવેશી શકશે નહીં. ઉલ્લેખનીય છે કે ભારતે આ અગાઉ જ અન્ય દેશોના પ્રવાસીઓ માટે ૧૫ એપ્રિલ સુધી વિઝા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ સિવાય યુએઈ, કતાર, ઓમાન અને કુવૈતથી આવતા પેસેન્જરોને મેડિકલ કન્ડિશન વિના પણ ૧૪ દિવસ ક્વોરેન્ટાઇનમાં રખાશે. સરકારે ચીન, ઇટલી, ઈરાન સાઉથ કોરિયા, ફ્રાન્સ, સ્પેન અને જર્મનીથી પરત આવનારા પેસેન્જરોને ૧૪ દિવસ ક્વોરેન્ટાઈનમાં રાખવાનું ફરજિયાત બનાવ્યું છે.
બીજી તરફ ભારત સરકારે શનિવારે કોરોનાના રોગચાળાને જાહેર આફત ઘોષિત કર્યો છે. રાજ્યોને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ અંતર્ગત સહાય આપવા માટે આ નિર્ણય લેવાયો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવે જણાવ્યું હતું કે દેશમાં કોરોનાનો ચેપ ફેલાય નહીં એ માટે સરકારે સોમવારે દેશભરની સ્કૂલો, શિક્,ણ સંસ્થાઓ, જિમ્નેશ્યમ, સ્વમિંગ પૂલ, થિયેટર અને મ્યુઝિયમને ૩૧ માર્ચ સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે. કર્મચારીઓને ઘરેથી કામ કરવાની છૂટ આપવા માટે અને સાર્વજનિક પરિવહનનો પણ ઓછામાં ઓછો ઉપયોગ કરવાની તાકીદ કરાઈ છે. સ્થાનિક નેતાઓ, ધર્મગુરુઓ પોતાની સભાઓ અને કાર્યક્રમો રદ કરે તેવો પણ અનુરોધ કરાયો છે. અનેક રાજ્યોમાં શાળા-કોલેજો, થિયેટરો, મોલ, સ્વિમિંગ પુલ, જીમ, વગેરેને બંધ કરાયા છે. દિલ્હીમાં આ ઉપરાંત વધારાના પગલા લેવાયા છે અને જાહેર, ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક કાર્યક્રમો રદ કરવાનો આદેશ મુખ્ય પ્રધાન કેજરીવાલે આપ્યો છે.

ત્રણ મૃત્યુ, કુલ ૧૧૪ કેસ

કોરોના વાઇરસનો ફેલાવો ધીરે ધીરે ૧૫ રાજ્યો સુધી પહોંચ્યો છે. જોકે સ્વાસ્થ્ય વિભાગની સતર્કતાના કારણે મૃત્યુઆંક ત્રણ સુધી જ સીમિત છે. ઓડિશામાં સોમવારે વાઇરસનો પહેલો કેસ સામે આવ્યો છે. બીજી તરફ દેશમાં અત્યાર સુધીમાં કુલ ૧૧૪ લોકો કોરોના વાઇરસની લપેટમાં આવી ગયા છે અને તેમને સારવાર અપાઇ રહી છે. જે નવા કેસો સામે આવ્યા છે તેમાં જમ્મુ-કાશ્મીર, કેરળનો પણ સમાવેશ થાય છે. જ્યારે સૌથી વધુ કફોડી સ્થિતિ મહારાષ્ટ્રની છે કે જ્યાં વધુ ચાર લોકોને આ વાઇરસે ભરડામાં લીધા છે અને દેશમાં સૌથી વધુ ૩૭ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. માત્ર મુંબઇમાં જ ચાર નવા કેસ કોરોનાના સામે આવતા તંત્ર દોડતુ થઇ ગયું છે.

કોર્ટ સંપૂર્ણ બંધ રાખવી શક્ય નથી

કોરોનાને કારણે દેશમાં કોર્ટને સંપૂર્ણપણે શટડાઉન કરવાનું શક્ય નથી તેમ ચીફ જસ્ટિસ એસ. એ. બોબડેએ જણાવ્યું હતું. ટૂંક સમયમાં વર્ચ્ચુઅલ કોર્ટો શરૂ કરાશે તેવા સંકેતો તેમણે આપ્યા હતા. ચીફ જસ્ટિસે બાર કાઉન્સિલને અપીલ કરી હતી કે નિષ્ણાતોએ સુરક્ષાનાં જે ઉપાયો બતાવ્યા છે તેનું પાલન કરવું. આ પછી કોર્ટની બહાર થર્મલ સ્ક્રીનિંગ કરાવવા લોકોની લાંબી લાઇનો લાગી હતી.

લોકોની તંદુરસ્તી સુનિશ્ચિત કરવા તમામ પ્રયાસો કરાશેઃ મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હોય એવા દર્દીઓની સ્ટોરી લોકો સાથે શેર કરી હતી અને દેશમાં કોરોના વાઇરસનો ચેપ ફેલાતો અટકાવવા માટે હેલ્થ એજન્સીઓ દ્વારા કરવામાં આવેલા કામની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે ભારતીય હેલ્થ એજન્સીઓ કોરોના વાઇરસનો પડકાર ઝીલી રહ્યા છે અને લોકોની તંદુરસ્તી સુનિશ્ચિત કરવા તમામ પ્રયાસો કરવામાં આવશે.
ટ્વિટર પર જે લોકોએ કોરોના વાઇરસનો ચેપ ફેલાતો અટકાવવા માટે કરેલા કામની વિગતો આપી હતી એવા લોકોની પોસ્ટને વડા પ્રધાન મોદીએ રિ-ટ્વિટ કરી હતી. તેમણે લખ્યું હતું કે ભારત કોવિડ-૧૯નો સામનો કેવી રીતે કરી રહ્યું છે એની ઘણી વાતો લોકો શેર કરી રહ્યા છે. તેઓ ડોક્ટરો, નર્સો, સ્થાનિક સુધરાઈના કર્મચારીઓ, એરપોર્ટ સ્ટાફ અને અન્ય લોકોની હિંમતને વધારી રહ્યા છે અને એમના કામને દાદ આપી રહ્યા છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter