ગોલ્ડ રિઝર્વમાં ભારત ટોપ-૧૦ દેશોમાંઃ પાકિસ્તાન ખૂબ પાછળ

Sunday 13th October 2019 12:38 EDT
 
 

નવી દિલ્હીઃ સુવર્ણ ભંડાર (ગોલ્ડ રિઝર્વ)ના મામલે ભારતે નેધરલેન્ડને પાછળ રાખીને વિશ્વના ટોપ-૧૦ દેશોની યાદીમાં સ્થાન મેળવ્યું છે.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (ડબ્લ્યુજીસી)ના અહેવાલ મુજબ ભારત ૬૧૮.૨ ટન જેટલો સુવર્ણ ભંડાર ધરાવે છે. જ્યારે નેધરલેન્ડ ૬૧૨.૫ ટન સોનાનો ભંડાર ધરાવે છે. હાલમાં ભારે આર્થિક મુસીબતોનો સામનો કરી રહેલું પાકિસ્તાન ગયા વર્ષે યાદીમાં ૪૫મા સ્થાને હતું. પાકિસ્તાન કુલ ૬૪.૪ ટનના સુવર્ણ ભંડાર ધરાવે છે. દેશોની દૃષ્ટિએ જોવામાં આવે તો ભારત યાદીમાં નવમા સ્થાને છે.
યાદીમાં અમેરિકા પ્રથમ, જર્મની બીજા ક્રમે છે. ત્રીજા સ્થાને કોઈ દેશ નહીં, પણ આઇએમએફ સંગઠન છે. આમ દેશોની યાદીમાં ભારત નવમા ક્રમે પહોંચ્યું હોવાનું કહી શકાય.

અમેરિકા નંબર વન

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અહેવાલ મુજબ આ યાદીમાં ટોચે રહેલા અમેરિકા પાસે ભારત કરતાં ૧૩ ગણું વધુ સોનું છે. અમેરિકા કુલ ૮૧૩૩.૫ ટન ગોલ્ડ રિઝર્વ ધરાવે છે. બીજા સ્થાને રહેલું જર્મની ૩૩૬૬.૮ ટન સોનાના ભંડારો ધરાવે છે. તે પછીના ક્રમે રહેલું આઇએમએફ ૨૪૫૧.૮ ટન, ઇટાલી ૨૪૫૧.૮ ટન , ફ્રાંસ ૨૪૩૬.૧ ટન, રશિયા ૨૨૧૯.૨ ટન તો ચીન ૧૯૩૬.૫ ટન સોનું ધરાવે છે. સ્વિત્ઝર્લેન્ડ પાસે ૧૦૪૦ ટન તો જાપાન પાસે ૭૬૫.૨ ટન સુવર્ણ ભંડારો આવેલા છે.

બે દસકામાં બમણું

આ વર્ષે ઓગસ્ટમાં ભારતમાં સોનાની ખરીદી વીતેલા ત્રણ વર્ષમાં સૌથી નીચી સપાટીએ રહી તેમ છતાં ભારત ૧૦મા ક્રમે પહોંચી ગયું છે.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા પ્રમાણે જુલાઈ મહિનામાં શુદ્ધ ખરીદી માત્ર ૧૩.૧ ટન જ રહી હતી. જૂનના મુકાબલે તે ખરીદી ૯૦ ટકા ઓછી કહી શકાય. વીતેલા બે દાયકામાં ભારતના સુવર્ણ ભંડારો વધીને બમણા થયા છે. વર્ષ ૨૦૦૦ના પ્રથમ ત્રિમાસમાં ભારત પાસે ૩૫૭.૮ ટન જેટલા સુવર્ણ ભંડાર જ હતા.

ગોલ્ડ રિઝર્વ શું છે?

સુવર્ણ ભંડાર કે ગોલ્ડ રિઝર્વ તે કોઈ પણ દેશની કેન્દ્રીય બેન્ક પાસે અનામત રખાયેલું સોનું છે. સંકટ સમયમાં દેશના ધનની રક્ષા અને જરૂર પડયે લોકોને ધન પાછું આપવા કેન્દ્રીય બેન્ક આ સોનું ખરીદ કરતી હોય છે. ભારતમાં રિઝર્વ બેન્ક આ સોનું ખરીદ કરે છે. તે સુવર્ણ ભંડારને સુરક્ષિત ભંડકિયામાં રાખવામાં આવે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter