પણજીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા વચ્ચે ગોવામાં કોંગ્રેસને જોરદાર આંચકો લાગ્યો છે. રાજ્યમાં પાર્ટીના 11 પૈકી આઠ ધારાસભ્ય ભાજપમાં જોડાઈ ગયા છે. તેના કારણે હે 40 સભ્ય ધરાવતી રાજ્ય વિધાનસભામાં કોંગ્રેસના હવે માત્ર 3 જ ધારાસભ્ય રહી ગયા છે. કેદાર નાઈક, સંકલ્પ અમનોકર, રાજેશ ફેલદેસાઈઅને રુડોલ્ફ ફર્નાન્ડિઝ પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા છે. પાર્ટીના દિગ્ગજ નેતા દિગંબર કામત પણ ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસ ધારાસભ્યોના ભાજપમાં જોડાવાના પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કહ્યું હતું કે હું તેમનું ભાજપમાં સ્વાગત કરું છું. સાંવતે આ પ્રસંગે કોંગ્રેસ પર વ્યંગ કરતા કહ્યું હતું કે, કોંગ્રેસ ભારત જોડો યાત્રા શરૂ કરી છે, પણ મને લાગે છે ગોવામાં કોંગ્રેસ છોડો યાત્રા શરૂ થઈ છે. દેશભરમાં લોકો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ રહ્યા છે. ગોવાના રાજકીય ઇતિહાસમાં આમ પહેલીવાર થયું છે. જ્યારે કોંગ્રેસના રાજ્યમાં માત્રત્રણ જ ધારાસભ્ય બચ્યા છે. દિગંબર કામત અને માઈકલ લોબો લાંબા સમયથી પાર્ટીથી નારાજ હતા અને જુલાઈમાં તેમણે બળવાનો પણ પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમને સફળતા મળી નહોતી જેને કારણે પક્ષપલટા કાયદાના ડરે તેમણે ભાજપમાં જોડવાનો પ્લાન ટાળી દીધો હતો. ભાજપમાં જોડાતા પહેલાં કોંગ્રેસી ધારાસભ્યોએ મુખ્યમંત્રી સાવંત સાથે મુલાકાત પણ કરી હતી અને કામત અને લોબોએ હાલમાં જ દિલ્હી પ્રવાસ પણ કર્યો હતો.
કોંગ્રેસે ઘટનાક્રમને ઓપરેશન કીચડની સંજ્ઞા આપી
કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાએ આઠ ધારાસભ્યો દ્વારા પાર્ટી છોડવાના ઘટનાક્રમ પર નિદા ફાજલીની એક કવિતાનો સહારો લઈને તેને ભાજપનું ઓપરેશન કીચડ જણાવ્યું હતું. ખેડાએ ટ્વિટર પર લખ્યું હતું કે, સાંભળ્યું છે કે ભારત જોડો યાત્રાથી હતપ્રભ ભાજપે ગોવામાં ઓપરેશન કીચડ આયોજિત કર્યું છે. ટ્વિટમાં નિદા ફાજલીની એક કવિતા શેર કરીને લખ્યું હતું કે, સફર મેં ધૂપ તો હોગી જો ચલ સકો તો ચલો.
ભગવાનની મંજૂરી લઈ કોંગ્રેસ ત્યજી ભાજપમાં ગયોઃ કામત
પત્રકારોએ ગોવાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દિગંબર કામતને ચૂંટણી અગાઉ તેમણે જે ભગવાનના નામે કોંગ્રેસ નહી છોડવાના શપથ લીધા હતા તેની યાદ અપાવી ત્યારે કામતે જવાબ આપ્યો હતો કે તેમણે ભગવાન પાસે મંજૂરી લઈને જ પછી જ કોંગ્રેસ ત્યજીને ભાજપમાં પ્રવેશ કર્યો છે. તેમણે પોતાના પક્ષપલટોને અને શપથને તોડવાના નિર્ણયનો બચાવ કરતાં જણાવ્યું હતું કે હું ફરીવાર મંદિર ગયો હતો અને ભગવાનને પૂછ્યું હતું કે શું કરું? ભગવાને મને જવાબ આપ્યો હતો કે તારા માટે જ સારામાં સારું હોય તે કર.