નવી દિલ્હીઃ દેશના રાજકારણમાં ત્રણ કેન્દ્ર સરકારની રચનામાં મહત્વની ભૂમિકા ભજવનારા ટીડીપી અધ્યક્ષ અને આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન એન. ચંદ્રાબાબુ નાયડૂને ફરી એક વાર કિંગમેકરની ભૂમિકા ભજવવાની તક મળી શકે છે. ટીડીપી આંધ્રમાં 17 બેઠક પર ચૂંટણી લડી હતી, જેમાંથી 16 બેઠક પર જીત મેળવી ભાજપ બાદ એનડીએમાં બીજો સૌથી મોટો પક્ષ બન્યો છે. ભાજપને સ્પષ્ટ બહુમતી ન મળતાં ચંદ્રાબાબુ નિર્ણાયક ભૂમિકામાં આવી ગયા છે. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોલાવેલી એનડીએના સાથી પક્ષોની બેઠકમાં ભાગ લેવા જશે. ટીડીપીની સ્થિતિ જોતાં ચંદ્રાબાબુને એનડીએના કન્વીનરનું પદ ઓફર થઈ શકે છે કેમ કે તેમનામાં વિવિધ પક્ષોના સમૂહને એક રાખવાની રાજકીય કુનેહ છે.
ટીડીપીના સૂત્રોના જણાવ્યાનુસાર ચંદ્રાબાબુ કોઇ પણ સંજોગોમાં એનડીએ નહીં છોડે કેમ કે તેઓ સારી રીતે જાણે છે કે 2018માં એનડીએમાંથી કોંગ્રેસ સમર્થક પક્ષોનું મહાગઠબંધન બનાવવાના પ્રયાસનું તેમણે કેવું ફળ ભોગવવું પડયું હતું? તેમણે એનડીએમાં પાછા ફરવા છેલ્લા પાંચ વર્ષમાં ઘણો સંઘર્ષ કર્યો, જેનાથી તેમને વિધાનસભા ચૂંટણી પણ જીતવામાં મદદ મળી. નોંધનીય છે કે ચંદ્રાબાબુએ અગાઉ એચ. ડી. દેવગોવડાની સંયુક્ત મોરચા સરકાર, આઈ. કે. ગુજરાલ સરકાર અને અટલ બિહારી વાજપેયીની એનડીએ સરકારની રચનામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.